<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પોરબંદરમાં હનુમાન જયંતીએ મહારકતદાન કેમ્‍પઃ ૧૦ હજાર બોટલ રકત એકત્રનો ટાર્ગેટ

કાલે બાલા હનુમાન મહોત્‍સવઃ મહારકતદાન કેમ્‍પમાં ગુજરાતમાં નવો રેકર્ડ બનવા તરફ ગતિઃ કેતનભાઈ ગજજર : આજથી બે દિવસીય મહારકતદાન કેમ્‍પઃ મનસુખભાઈ માંડવિયાએ રકતદાન કરીને મહારકતદાન કેમ્‍પનો પ્રારંભ કરાવ્‍યોઃ જગદીશભાઈ વિશ્‍વકર્માના હસ્‍તે પ્રસાદી બોકસનું વિતરણઃ સાંજે મહાઆરતીઃ રાત્રે ગીતાબેન રબારીનો લોકડાયરોઃ અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે : સુદામા ચોકમાં ગીતાબેન રબારીના ડાયરા માટે જગ્‍યા મર્યાદિત હોય ખીજડી પ્‍લોટ ગાર્ડન ખાતે કાર્યક્રમના લાઈવ પ્રસારણની વિશેષ વ્‍યવસ્‍થા : પોરબંદર જીલ્લામાંથી બહારગામ સારવાર માટે જતા દર્દીઓ માટે મહારકતદાન કેમ્‍પમાં એકત્ર થયેલ રકત ખૂબ ઉપયોગી થશેઃ રામદેવભાઈ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: હનુમાન જયંતી અવસરે બાલા હનુમાન મહોત્‍સવ હેઠળ ૨ દિવસીય મહારકતદાન કેમ્‍પનો આજે સવારે પ્રારંભ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોતે રકતદાન કરીને કરાવ્‍યો છે, મહારકતદાન કેમ્‍પ આજે અને કાલે બે દિવસ રાખેલ છે.

મહારકતદાન કેમ્‍પમાં ગત વર્ષ હનુમાન જયંતીએ ૫૭૦૦ બોટલ રકત એકત્ર થયું હતું. આવતીકાલે મહારકતદાન કેમ્‍પમાં ૧૦ હજાર બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્‍યાનું કેતનભાઈ ગજજરે જણાવ્‍યું છે મહારકતદાન કેમ્‍પ માટે એ.સી. ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે.

બાલા હનુમાન મહોત્‍સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે બાલા હનુમાન ગ્રૂપના શ્રી કેતનભાઈ ગજ્જરે જણાવ્‍યુ હતું કે, પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે મહારક્‍તદાન કેમ્‍પ નું આયોજન છે તેમાં ગત વર્ષે ૫૭૦૦ બોટલ રક્‍ત એકત્રિત કરેલ આ વર્ષે ૯૦૦૦ થી ૧૦,૦૦૦ બોટલ રક્‍ત બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે. ગત વર્ષ કરતાં ડબલ વ્‍યવસ્‍થા આ વર્ષે કરવામાં આવેલ છે. તમામ હનુમાન ભક્‍તો  રામ ભક્‍તો ને વિનંતી છે કે બીજી એપ્રિલે સુદામા ચોક ખાતે આવીને રક્‍તદાન કરવાની અપીલ છે. તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે. આ વર્ષે ૮૦,૦૦૦ પ્રસાદ બોક્‍સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મહારક્‍તદાન કેમ્‍પ અંગે રામદેવભાઇ મોઢવાડિયા એ જણાવ્‍યુ હતું કે, એકત્રિત થયેલ રક્‍ત ભાવસિંહજી હોસ્‍પિટલ, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ, રેડક્રોસ સોસાયટી, જુનાગઢ સિવિલ હોસ્‍પિટલ, જામનગર જીજી હોસ્‍પિટલ, અમદાવાદની  સિવિલ હોસ્‍પિટલ, કિડની હોસ્‍પિટલ, કેન્‍સર હોસ્‍પિટલ, યુ એન મહેતા હોસ્‍પિટલ, જીવનદીપ હોસ્‍પિટલ સહિતની પ્રાઈવેટ અને ખાનગી હોસ્‍પિટલ અને બ્‍લડ બેન્‍કોને લોહી આપવામાં આવશે. જેથી પોરબંદરથી બહારગામ જતાં દર્દીઓને જરૂર પડે ત્‍યારે લોહી આપવામાં આવશે. એટલું જ નથી પરંતુ આ વખતે વધારાની એક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેમાં અમદાવાદની લેબોરેટરી દ્વારા ૪ પ્રકારના બ્‍લડ ટેસ્‍ટ જે જરૂરી છે, તે ફ્રીમાં કરી આપવામાં આવશે. રક્‍તદાતાઓને એક ભેટ પણ આપવામાં આવશે.

પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર સુદામા ચોકમાં એસી ડોમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, રક્‍તદાન માટે સમગ્ર પોરબંદર વાસીઓ વધુને વધુ રક્‍તદાન કરશે અને રેકોર્ડ બનાવશે.

બાલા હનુમાન ગ્રૂપ આયોજિત બાલા હનુમાન મહોત્‍સવ અંતર્ગત વંદના મહોત્‍સવ માટે ૮૦,૦૦૦ થી વધુ લાડવા પ્રસાદી બોક્‍સ પેકીંગ કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે તા. ૩૧-૩-૨૦૨૬ના સાંજે ૮:૦૦ કલાકે સુદામા ચોક ખાતે કેન્‍દ્રીય કેબિનેટમંત્રીશ્રી અને સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા પ્રસાદી પેકીંગમાં સહભાગી બનશે. તેમજ રાત્રે ૯:૩૦ વાગ્‍યાથી સુદામા ચોક ખાતે વંદના મહોત્‍સવ અંતર્ગત લોકડાયરો યોજાશે જેમાં બ્રીજદાન ગઢવી કાર્યક્રમ પ્રસ્‍તુત કરશે.

આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય કેબિનેટમંત્રીશ્રી અને સાંસદ ડો.મનસુખભાઇ માંડવિયા હાજરી આપેલ. કેન્‍દ્રીયમંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા રક્‍તદાન કરી કેમ્‍પનો પ્રારંભ કરાવ્‍યો છે.

તા.૧ ના રોજ સવારે ૮:૦૦ વાગ્‍યાથી રક્‍તદાન કેમ્‍પનો પ્રારંભ થયો છે. આ કેમ્‍પનો પ્રારંભ કેન્‍દ્રીય કેબિનેટમંત્રીશ્રી અને સાંસદશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા પોતાનું રક્‍તદાન કરીને ઉદઘાટન કર્યુ હતું. તેમજ પોલીસ પરિવાર, ડિફેન્‍સ, કોસ્‍ટગાર્ડ, સામાજિક સંસ્‍થા સહીત જાહેર જનતા જોડાશે, આ કેમ્‍પ આખો દિવસ ચાલશે. પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્‍થતિ રહેશે.

તા.૨ ના રોજ સમગ્ર પોરબંદર જિલ્લા માં સવારે ૭:૦૦ વાગ્‍યા થી રક્‍તદાન શરૂ થઇ જશે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, બગવદર, કડછ ખાતે આ કેમ્‍પ યોજાશે. મહારક્‍તદાન કેમ્‍પમાં ૯૦૦૦ થી વધુ બોટલ રક્‍ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્‍યો છે. આ રકતદાન કેમ્‍પમાં બપોરે ૪:૦૦ કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ હાજરી આપશે, તેમજ સાંજે ૬:૦૦ વાગ્‍યે બાળકોની વેશભૂષામાં બાળકોને પ્રોત્‍સાહિત કરશે અને વિશ્વકર્માના આગેવાનો સાથે મુલાકાત કરશે. સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતીમાં ઉપસ્‍થિત રહેશે.  ત્‍યારબાદ પ્રસાદી બૉક્‍સ વિતરણ પ્રારંભ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્‍તે કરવામાં આવશે. તેમની સાથે ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા  પણ ઉપસ્‍થિત રહેશે.  રાત્રે ૯:૩૦ કલાકે લોકડાયરો યોજાશે જેમાં ગીતાબેન રબારી વંદના મહોત્‍સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે.

 

(11:54 AM IST)