<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગરીમામય અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લાના દેવકા, સણોસરા અને મતીરાળા ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે : રાજુલા તાલુકાના દેવકા મુકામે મુખ્યમંત્રીના હસ્તે "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા સંચાલિત વિદ્યાપીઠ ખાતે હોસ્ટેલ અને ભોજનાલયનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી તાલુકાના સણોસરા મુકામે એકસાથે ૭૧ ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરીનો શુભારંભ થશે : અમરેલી શહેરના જેસિંગપરા ખાતે શિવાજી ચોકમાં મુખ્યમંત્રી શિવાજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે : મુખ્યમંત્રીના હસ્તે લાઠી તાલુકાના મતીરાળા મુકામે પીપરિયા નદી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત થશે

(અરવિંદ નિર્મળ-વિનુ જોશી દ્વારા)અમરેલી-જુનાગઢ તા.૩૧  

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગરીમામય અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેવકા, સણોસરા અને મતીરાળા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

દેવકા મુકામે ભાગવત કથાકારશ્રી, રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે ૧૧૦૦ બેડની સુવિધાવાળી નવી ગર્લ્સ હોસ્ટેલ તથા ૫૮૦ વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતા આધુનિક ભોજનાલયનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે. આ સુવિધાઓના કારણે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને વધુ સારી રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાની વધુ તકો ઉપલબ્ધ બનશે.

પૂજય ભાઈ રમેશભાઈ ઓઝાની પાવન માતૃભૂમિમાં શિક્ષણ સંસ્કાર અને સેવા માટે દેવકા ગામમાં પ્રસ્થાપિત દિવ્ય દેવકા વિદ્યાપીઠમાં બે નવા સોપાન ઉમેરાઈ રહ્યા છે અત્યાર સુધી વિશાળ અદ્યતન સ્કૂલ એવમ કોલેજ બિલ્ડીંગ દીકરીઓ માટે સર્વ સુવિધા યુક્ત બે છાત્રાલય ભવન માં શૈક્ષણિક કાર્ય સુપેરે ચાલી રહ્યું છે.

હાલમાં વિશેષમાં દેવકા વિદ્યાપીઠ પરિસરમાં 1000 દીકરીઓ માટે આધુનિક છાત્રાલય અને ભવ્ય ભોજનાલય નું નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયું છે આથી ઉદ્ઘાટન કરી દીકરીઓને આ ભવન અર્પણ કરવાની વેળા આવી રહી છે. પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી તારીખ 1 /4/ 2026 બુધવારના સવારે 10 કલાકે ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા એવમ આ વિસ્તારના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો લોક પ્રતિનિધિઓ વાલીઓ એવમ જાહેર જનતા જનાર્દનની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાશે.

મ

આપણા વિસ્તારના શૈક્ષણિક વિકાસમાં દેવકા વિદ્યાપીઠ નું બહુમૂલ્ય યોગદાન છે આ ઉદઘાટનના અવસરે સૌ જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સણોસરા ખાતે આયોજિત કાર્યક્રમમાં અમરેલી તાલુકાના એકસાથે ૭૧ ગામમાં તળાવ ઊંડા કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જળસિંચનના સંકલ્પનું ખાતમુહૂર્ત કરશે. સણોસરા મુકામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અનુદાનથી ગીરગંગા ફાઉન્ડેશન દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરીનો સમાવેશ થશે. આ કાર્યનો લાભ અમરેલી જિલ્લાની અન્ય વિધાનસભાના બીજા ૦૫-૦૫ ગામોને મળશે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં શિવાજી ચોક ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્મિત શિવાજીની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ કરશે અને શ્રી, સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી લોકઅભિવાદન ઝીલશે. 

લાઠી તાલુકાના મતીરાળા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પીપરિયા નદી ડીપનિંગ પ્રોજેક્ટ હેઠળ મતીરાળા થી કૃષ્ણગઢ સુધી ૭૭૪૦ મીટર અને કેરાળા થી કૃષ્ણગઢ સુધી ૧૮૬૦ મીટર એમ કુલ ૯.૬ કિલોમીટર નદી વિસ્તારને ઊંડી અને પહોળી કરવાના કાર્યક્રમનો શુભાંરભ કરાવશે. ધોળકિયા ફાઉન્ડેશન સાથે ૮૦:૨૦ની લોકભાગીદારી હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે અંદાજે ૧૫.૬૬ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને આશરે ૧૫.૭૦ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. 

આ કાર્યક્રમો દ્વારા રાજ્ય સરકારના "સૌનો સાથ, સૌનો વિકાસ"ના મંત્રને સાકાર કરતી વિકાસયાત્રાને વધુ ગતિ મળશે તેમજ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. 

(10:57 PM IST)