તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
સાયલાના સાંગોઈમાં બૂટલેગરોનો અનોખો કીમિયો, વોંકળામાં ભોંયરૂ બનાવી છુપાવેલ ૪૨ લાખનો દારૂ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૧: સાયલા તાલુકામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ધજાળા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાંગોઈ ગામની સીમમાં રેડ કરીને બૂટલેગરોના એક હચમચાવી દે તેવા પેંતરાનો પર્દાફાશ કર્યો છે. વાડી નજીક આવેલા વોંકળામાં જમીનની અંદર ગુપ્ત ભોંયરું બનાવી છૂપાવેલો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.
ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી. ઝાલા અને તેમની ટીમ જ્યારે સાંગોઈ ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે આરોપી રામકુ શાંતુભાઈ તકમરીયાની વાડી પાસેના વોંકળામાં તપાસ કરતા એક જગ્યાએ નવી માટી પથરાયેલી જોવા મળી હતી. પોલીસને શંકા જતા માટી દૂર કરવામાં આવી હતી, જ્યાં પ્લાસ્ટિકના ઢાંકણ નીચે એક કાચું ભોંયરું મળી આવ્યું હતું. આ ગુપ્ત ભોંયરું ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અંદર વિદેશી દારૂની પેટીઓનો ખડકલો હતો.
પોલીસે ભોંયરામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ મીલીની ૧,૭૦૪ મોટી બોટલો અને ૧૨,૨૪૬ નંગ નાના ચપલાઓ મળી કુલ ૧૩,૯૫૦ બોટલોનો જથ્થો બહાર કાઢયો હતો. જપ્ત કરાયેલા આ દારૂની કુલ કિંમત અંદાજે રૂ. ૪૨,૦૧,૨૬૦ જેટલી થાય છે.રેડ દરમિયાન મુખ્ય આરોપી બૂટલેગર રામકુ ઉર્ફે લાલો તકમરીયા અગાઉથી જ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અંતરિયાળ વિસ્તારમાં દારૂ છુપાવવાની આ નવી પદ્ધતિએ પોલીસને પણ વિચારતી કરી દીધી છે. સાયલા પંથકમાં આટલા મોટા જથ્થાના પર્દાફાશથી ફફડાટ વ્યાપી ગયો છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
