<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ભાવનગરના વાળુકડ ગામમાં યુવાનની હત્યા :રવિ રબારી નામના યુવક પર જૂની અદાવતમાં તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

હત્યાની ઘટનાના લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી:ASP અને DySP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો : ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં રાત્રે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યાની ઘટનાના લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.  

મળતી માહિતી મુજબ, વાળુકડ ગામના રહેવાસી રવિ રબારી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ છરી વડે યુવકના શરીર પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે રવિ રબારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હત્યાની જાણ થતાં જ ભાવનગરના ASP અને DySP સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક વાળુકડ ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

ભાવનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવતમાં થયેલી આ હત્યા પાછળ અન્ય કયા કારણો જવાબદાર છે અને વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સો કોણ છે, તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી વાળુકડ સહિત સમગ્ર ઘોઘા પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

(10:34 PM IST)