<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

જોડિયાના કુન્નડ ગામે સ્વયંભૂ શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરે શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે

૨ એપ્રિલના રોજ રુદ્રાભિષેક, આહુતિ સાથે સુંદરકાંડ પાઠ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : મહંત અવધેશદાસજી શાસ્ત્રીજી દ્વારા ભકતોને ભાવભર્યું નિમંત્રણ

જોડિયા: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા કુન્નડ ગામે બિરાજમાન સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીના પવિત્ર ધામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવશે. આગામી ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર તા. ૦૨-૦૪-૨૦૨૬ના રોજ આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી જ વિવિધ શાસ્ત્રોક્ત વિધિઓ અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે.

મહોત્સવની કાર્યક્રમ રૂપરેખા:
પ્રાગટ્ય મહોત્સવના દિવસે સવારે ૭-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન કળશ પૂજન, દેવ સ્થાપના અને વિશેષ પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી શ્રી હનુમાનજીનો વિશેષ રુદ્રાભિષેક કરવામાં આવશે. સવારે ૧૧-૦૦ વાગ્યાથી સુંદરકાંડના પાઠનો પ્રારંભ થશે, જેમાં વિશેષ આહુતિની પરંપરા મુજબ દરેક ચોપાઈના અંતે દોહરા દ્વારા હોમ-હવનમાં આહુતિ આપવામાં આવશે. બપોરે ૧૨-૦૦ થી ૧૨-૩૦ કલાકે શ્રીફળ હોમવાની વિધિ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ બ્રહ્મ ભોજન તથા સમસ્ત ભક્તો માટે સમૂહ ભોજન (મહાપ્રસાદ) રાખવામાં આવેલ છે.

ભક્તોને જાહેર નિમંત્રણ:
શ્રી કુંડલિયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામના મહંત અવધેશદાસજી શાસ્ત્રીજી (ગુરુ પ્રેમદાસજી સાકેતવાસી જગદેવદાસજી બાપુ) દ્વારા આ મહોત્સવનો લાભ લેવા માટે સમસ્ત ભક્તજનો, ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુન્નડ ગામનું આ મંદિર સ્વયંભૂ વિગ્રહ ધરાવતું હોવાથી શ્રદ્ધાળુઓમાં તેનું વિશેષ મહત્વ છે અને પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતાને પગલે તંત્ર અને સ્વયંસેવકો દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

(3:49 PM IST)