તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 27th March 2026
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૧૦ મા પદવીદાન સમારોહ અંગે કુલપતિશ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આ વર્ષે કુલ ૧૨,૭૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે:પદવીદાન સમારોહનાં આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ મહત્વની જવાબદારીઓ મહિલા શક્તિ દ્વારા સંભાળવામાં આવશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આગામી ૧૦ મા પદવીદાન સમારોહના આયોજન અંગે માહિતી આપવા માટે યુનિવર્સિટી ખાતે કુલપતિ (વાઈસ ચાન્સેલર) ની અધ્યક્ષતામાં એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુલપતિએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૯-૩-૨૦૨૬ ના રોજ યોજાનારો આ પદવીદાન સમારોહ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થશે. આ વર્ષનો સમારોહ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ બની રહેશે, કારણ કે યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને તમામ વ્યવસ્થાઓની જવાબદારી માત્ર મહિલાઓ દ્વારા જ સંભાળવામાં આવનાર છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં કુલપતિએ પદવીદાનના આંકડાકીય ડેટા રજૂ કરતા જણાવ્યું કે, આ શૈક્ષણિક વર્ષમાં દીકરીઓએ કેવળ વહીવટી સંચાલનમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક પરિણામોમાં પણ મેદાન માર્યું છે. એનાયત થનારા કુલ 86 જેટલા સુવર્ણ ચંદ્રકો (ગોલ્ડ મેડલ્સ) માં દીકરીઓની સંખ્યા સૌથી વધુ છે જેમાં દીકરીઓ 52 અને ભાઈઓ 34, જે નારી શક્તિના વધતા પ્રભાવને સાબિત કરે છે. આ પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાઓના કુલ ૧૨,૭૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં સૌથી વધુ આર્ટસ વિદ્યાશાખામાં ૪,૬૩૮ વિદ્યાર્થીઓ પદવી મેળવશે. ત્યારબાદ કોમર્સમાં ૨,૭૭૮, સાયન્સમાં ૨,૧૪૯ અને રૂરલ વિદ્યાશાખામાં ૧,૪૩૪ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરી પદવી મેળવવા જઈ રહ્યા છે. મેનેજમેન્ટ ક્ષેત્રે ૪૯૬, એજ્યુકેશનમાં ૪૫૪ અને કાયદાશાસ્ત્રમાં (Law) ૧૩૮ વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે. મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો, મેડિકલમાં ૨૩૬, હોમિયોપેથીકમાં ૨૦૩, ડેન્ટલમાં ૧૫૧ અને નર્સિંગમાં ૨૬ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત એન્જિનિયરિંગમાં ૦૧ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૫ના પદવીદાન સમારોહ માટે જાહેર કરવામાં આવેલ વિગતો અનુસાર, યુનિવર્સિટી દ્વારા કુલ 86 મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં 26 વિદ્યાર્થીઓ (Boys) અને 44 વિદ્યાર્થીનીઓ (Girls) એ સિદ્ધિ મેળવી છે.
આ ઉપરાંત, વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 42 વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે, જેમાં 25 બહેનો 17 ભાઈઓ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ફેકલ્ટી વાઇઝ ઇનામોની વિગતમાં આર્ટસમાં 16, સાયન્સમાં 14, કોમર્સમાં 2, મેડિકલમાં 2, એજ્યુકેશનમાં 6, અને લો ફેકલ્ટીમાં 2 ઇનામો એનાયત થશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે આ સમારોહમાં સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કુલ ૨૨ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવશે આમ, યુનિવર્સિટી દ્વારા મેડલ, ઇનામ અને ઉચ્ચ પદવીઓ સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કૌશલ્યને સન્માનિત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહના સુચારૂ અને સુવ્યવસ્થિત આયોજન માટે યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન (OSD) પ્રો. ડો. તેજસ પી. જોશી તથા તેમની સમગ્ર પરીક્ષા ટીમ દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે મેડલ વિજેતાઓની યાદી તૈયાર કરવાથી લઈને ડિગ્રી એનાયત કરવાની પ્રક્રિયા સુધીની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ આ ટીમ દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક નિભાવવામાં આવી રહી છે. પરીક્ષા વિભાગના આ સમર્પિત પ્રયાસો અને શ્રેષ્ઠ વહીવટી આયોજનને કારણે જ આ ગૌરવશાળી સમારોહ નિર્વિઘ્ને અને ભવ્ય રીતે સંપન્ન થવા જઈ રહ્યો છે, જે યુનિવર્સિટીની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના યુવક મહોત્સવમાં અનેકવાર શ્રેષ્ઠ દેખાવ કરીને યુનિવર્સિટીનો ડંકો વગાડ્યો છે, જે તેમની કલા અને સાંસ્કૃતિક સૂઝબૂઝનું પ્રમાણ છે. માત્ર સાંસ્કૃતિક ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અહીંના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. સંશોધન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓએ સતત શ્રેષ્ઠ પરિણામો લાવીને યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.
આ વર્ષનો ૧૦મો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ સમગ્ર સમારોહની કમાન પૂર્ણપણે મહિલાઓના હાથમાં સોંપવામાં આવી છે. આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ મહત્વની જવાબદારીઓ મહિલા શક્તિ દ્વારા સંભાળવામાં આવનાર છે, જે આજના યુગમાં 'નારી શક્તિ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે અડધી આબાદી સમારોહનું નેતૃત્વ કરી રહી હોય, ત્યારે આ પ્રસંગ માત્ર પદવી એનાયત કરવાનો ઉત્સવ ન બની રહેતા સ્ત્રી સશક્તિકરણ અને સમાનતાનો એક પ્રબળ સંદેશ બની રહેશે. મહિલાઓ દ્વારા થનારું આ સંચાલન સમાજમાં નારીના સામર્થ્ય અને તેમની વહીવટી કુશળતાની પ્રતીતિ કરાવશે.
આ બેઠક દરમિયાન વિવિધ કમિટીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ કમિટીઓના સભ્યો દ્વારા પોતાના વિભાગ હેઠળ થયેલી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો તથા કામગીરીની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ૧૦ મા વાર્ષિક પદવીદાન સમારંભમાં કેન્દ્રીય મંત્રી મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, શ્રીમતી નીમુબેન બાંભણીયા, રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા, જીતુભાઈ વાઘાણી, ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મહારાણી સાહેબા શ્રીમતી સમયુક્તા કુમારી ગોહિલ, કુલપતિ પ્રો.ડો.બી.બી.રામાનુજ અને કાર્યકારી કુલસચિવશ્રી ડો.બી.બી.જાની સહિતના મહાનુભાવોની અધ્યક્ષતામાં યોજાનાર છે.
આ ગૌરવશાળી પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો આર્ટસ ફેકલ્ટીમાં 4638 કોમર્સમાં 2778, રૂરલ સ્ટડીઝમાં 1434, એજ્યુકેશનમાં 454, સાયન્સમાં 2149, મેડિકલમાં 236 અને લો ફેકલ્ટીમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાં મેડિકલ ફેકલ્ટીના બજાજ જય કમલેશભાઈએ MBBS ફાઈનલમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરી ૦૯ જેટલા સુવર્ણ ચંદ્રકો મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. તેવી જ રીતે સાયન્સ ફેકલ્ટીમાં વાઘેલા તુષારભાઈ અને ચુડાસમા મિત્તલબા એ અનુક્રમે કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, જ્યારે કોમર્સમાં વાયલુ આરતી અને ગોહેલ દર્શનાબેને મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. લો ફેકલ્ટીમાં શેખ મોહમ્મદહમઝા અને બારડ મિતએ પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
અંતમાં કુલપતિએ જણાવ્યું હતું કે, ૨૯ માર્ચનો આ પદવીદાન સમારોહ મહિલાઓ ના નેતૃત્વ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાના સુભગ સમન્વય સમાન બની રહેશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
