<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ધ્રોલ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન: આવતીકાલથી પ્રારંભ

માધવરાય મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળશે, વાજતે-ગાજતે લોહાણા મહાજન વાડીએ વિરામ લેશે : જામનગરના સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી હિતેષભાઈ (શ્રીરાધે) બાલકૃષ્ણભાઈ જોષી કથાનુ રસપાન કરાવશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૫ : ધ્રોલ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે એક અત્યંત સુંદર અને ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવ આગામી તા. ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવારથી શરૂ થઈ તા. ૦૧-૦૪-૨૦૨૬ સુધી ચાલશે. આ જ્ઞાનયજ્ઞમાં સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા કુલ ૧૯ પોથીઓ નોંધાવવામાં આવી છે, જે ભક્તિમય વાતાવરણને વધુ પ્રગાઢ બનાવશે.

 

કથાના પ્રથમ દિવસે એટલે કે તા. ૨૬-૦૩-૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે માધવરાય મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળશે. વાજતે-ગાજતે નીકળનારી આ શોભાયાત્રા લોહાણા મહાજન વાડીએ વિરામ લેશે, જ્યાં કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા શ્રવણનો સમય દરરોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથા વિરામ બાદ દરરોજ તમામ કથાશ્રાવકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

 

આ ભાગવત સપ્તાહમાં જામનગરના સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રીશ્રી હિતેષભાઈ (શ્રીરાધે) બાલકૃષ્ણભાઈ જોષી વ્યાસપીઠ પર બિરાજી પોતાની મધુર વાણીથી શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. શાસ્ત્રીજીના મુખેથી વહેતી ભક્તિની સરવાણીમાં તરબોળ થવા માટે ધ્રોલ લોહાણા મહાજન દ્વારા સમસ્ત ધ્રોલની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરે કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

આ ધર્મમય અવસરે ધ્રોલ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જતિનભાઈ એચ. અનડકટ, ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ બી. ગણાત્રા, મંત્રી શ્રી ભરતભાઈ વી. કોટેચા તથા ખજાનચી શ્રી વિપુલભાઈ જે. કોટેચા સહિતના હોદ્દેદારોએ સમસ્ત ધ્રોલની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

 

(1:38 PM IST)