News of Wednesday, 25th March 2026
અમરેલીમાં ૧૮ વર્ષના દેવસિંગનો મંદિરે ઝેર પી આપઘાતઃ પાંચ બહેનનો એક જ ભાઇ હતો
ભુજની યુવતિ સાથે સગાઇ થઇ હતીઃ રાજકોટમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫: અમરેલીના જેસીંગપરામાં રહેતાં અઢાર વર્ષના યુવાને ગામના મહાદેવના મંદિરે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાનની ભુજની યુવતિ સાથે સગાઇ થઇ હતી. કરૂણતા એ છે કે આ યુવાન પાંચ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.
જાણવા મળ્યા મુજબ જેસીંગપરામામં રહેતાં દેવસિંગ બહાદુરભાઇ જવ-મારવાડી (ઉ.વ.૧૮) નામના યુવાને ૨૩મીએ સાંજે પાંચેક વાગ્યે ગામના ધારી રોડ પર કામનાથ મહાદેવ મંદિર ખાતે ઝેરી દવા પી લેતાં અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગત સાંજે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી સીટી પોલીસને જાણ કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આપઘાત કરનાર દેવસિંગ પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો અને પાંચમા નંબરે હતો. તે ચાની હોટેલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પિતા બિમાર હોઇ પથારીવશ છે. દેવસિંગ પરિવારનો આધારસ્તંભ હતો. તેની સગાઇ ભુજની યુવતિ સાથે થઇ હતી. જો કે તેણે આપઘાત શા માટે કર્યો? તેનાથી પરિવારજનો અજાણ હોઇ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
