<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ગુજરાતની ૫૫૦ આઈ.ટી.આઈ. વચ્‍ચેની સ્‍પર્ધામાં જામનગરની આઈ.ટી.આઈ. રાજ્‍યમાં તૃતીય ક્રમે વિજેતાઃ રાજકોટ વિભાગ હેઠળની ૯૯ સંસ્‍થાઓમાં જામનગર પ્રથમ

શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્‍ય સરકાર દ્વારા રૂ. ૫ લાખનું અનુદાનઃ શૈક્ષણિક ગુણવત્તા, પ્‍લેસમેન્‍ટ અને સામાજિક પ્રવૃત્તિઓના ૩૦ માપદંડોમાં ૧૫૦માંથી ૧૨૭ ગુણ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫: જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાએ ગુજરાત રાજ્‍યની કુલ ૫૫૦ આઈ.ટી.આઈ. વચ્‍ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્‍થાની સ્‍પર્ધામાં રાજ્‍યકક્ષાએ તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર વિભાગોની કુલ ૫૫૦ સંસ્‍થાઓમાંથી જામનગર આઈ.ટી.આઈ.એ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્‍પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ ૯૯ આઈ.ટી.આઈ. માંથી જામનગરની સંસ્‍થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી, ત્‍યારબાદ રાજ્‍યની પસંદ થયેલી શ્રેષ્ઠ ૧૨ સંસ્‍થાઓ વચ્‍ચેની આખરી સ્‍પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્‍યમાં ત્રીજું સ્‍થાન મેળવ્‍યું છે. આ ભવ્‍ય સફળતા બદલ રાજ્‍ય સરકાર દ્વારા સંસ્‍થાને પ્રોત્‍સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્‍યું છે.

શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.ની પસંદગી માટે કુલ ૩૦ જેટલા વિવિધ કઠિન માપદંડો નિર્ધારિત કરવામાં આવ્‍યા હતા, જેમાં સંસ્‍થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્‍યુઅલ સિસ્‍ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં ૧૫૦ ગુણમાંથી ૧૨૭ ગુણ મેળવીને જામનગર આઈ.ટી.આઈ.એ ઉત્‍કૃષ્ટ દેખાવ કર્યો છે.

(10:53 AM IST)