તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં માંસાહાર મદિરાપાન મામલે ૨ સગીર સહિત ૬ અને નાણાંનો ગફલો કરનાર ૫ સામે ફરિયાદ
મામલતદાર કમ મંદિરના વહીવટદારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂઃ કલેકટર અનિલકુમાર રાણાવસીયાના આદેશથી કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં માંસાહાર મદિરાપાન મામલે ૨ સગીર સહિત ૬ અને નાણાંનો ગફલો કરનાર ૫ સામે મામલતદાર કમ મંદિરના વહીવટદારે ગઈકાલે રાત્રે ફરિયાદ કરતા ભવનાથ પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગિરનાર પર આવેલ અંબાજી મંદિરની ઘટનાની તપાસ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી. તેઓએ કલેક્ટરને સોંપેલો રિપોર્ટ જાહેર કરતા કલેકટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે અલગ અલગ બે ગંભીર ઘટના સામે આવી છે જેમાં મંદિરમાં દારૂ નોનવેજની પાર્ટી અને મંદિરમાં આવતા દાનની રકમ ખાનગી વ્યક્તિઓએ લઈ લેવાની ઘટના બને છે આ મુદ્દે કલેક્ટરે ફરિયાદ નોંધાવવા મંદિરના વહીવટદારને આદેશ કર્યો હતો.
જેના પગલે ગિરનાર અંબાજી મંદિરના વહીવટદાર અને મામલતદાર અશ્વિનકુમાર ખાટાભાઇ બારૈયાએ ગઈકાલે રાત્રે ભવનાથ પોલીસમાં અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફે બોય, જીગ્નેશ રવજીભાઈ ડાભી, છગન બચુભાઈ ડાભી, નિખિલ કિશોરભાઈ મેઘનાથી અને ૨ સગીર સહિત ૬ શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં આ શખ્સોને મંદિરના ભંડારાના રસોઈ ઘરમા પ્રવેશ કરવાનો અધીકાર ન હોવા છતા ગુન્હાહીત અપપ્રવેશ કરી તેમજ દારૂનું સેવન કરી છાકટા બની ગાળો બોલી નોનવેજ બનાવી ખાઇ મહેફીલ કરી હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બીજી ફરિયાદ યોગેશગીરી નિલકંઠ મંદિરના પ્રતિનિધિ, દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી અરજનગીરી અપારનાથી અને ભરતનાથ રાજનાથ સામે નોંધાવી હતી.
ફરિયાદ મુજબ તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વાયરલ થયેલ વીડિયોમાં યોગેશગીરી અને દુષ્યંતગીરી મંદિરના પૂજારી ન હોવા છતાં પૂજા કરી અને મંદિરના ગર્ભ ગળહમાં દર્શનાર્થીઓને અનધિકળત પ્રવેશ કરાવી તેમની પાસેથી રોકડ રકમ સ્વિકારી હતી અને બંન્ને શખ્સોએ મદદગારી કરી હતી.
તેમજ દુષ્યંતગીરી તથા દેવગીરી મંદીરની દાનપેટીની અંદર પૈસા નાખાવાના છીદ્રમાં કપડુ મુકી દાનપેટીમા જતા રૂપીયા અટકાવી દાનપેટીની આવક સાથે ચેડાં કર્યા હતા. તેમજ કુંદનગીરી અપારનાથીએ મંદીરની દાનપેટી ઉપર રૂમાલ મુકી મહીલા દર્શનાર્થીને હાથ વડે ઇસારો કરી મહીલા દ્વારા આપવામા આવતા પૈસા લઇ પોતાના ખિસ્સામાં મુકી દાનપેટીની આવક સાથે ચેડા કર્યા હતા.
ઉપરાંત ભરતનાથે કુંદનગીરી સાથે મળી મંદિરના વહીવટકર્તા સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી નાણાકીય અનીયમીતતાઓ આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
અંબાજી મંદિરના વહીવટદારની બે ફરિયાદના આધારે ભવનાથ પોલીસે બે સગીર સહિત ૧૧ શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
