<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં પૂ. મોરારિબાપુનું સરપ્રાઈઝ આગમન: પાપમોચિની એકાદશીએ સત્સંગ મંડળને મળ્યું રામકથાકારનું સાનિધ્ય

બગસરા રામકથાની પૂર્ણાહુતિ બાદ પૂ. બાપુએ લીધી સહજ મુલાકાત; વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારમાં હરખની હેલી, મહિલા મંડળ અને કાર્યકર્તાઓએ ભાવવંદના કરી મેળવી ધન્યતા

જાળિયા (અહેવાલ - મુકેશ પંડિત):ગોહિલવાડના પ્રસિદ્ધ એવા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આજે પાપમોચિની એકાદશીના પવિત્ર અવસરે ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારિબાપુએ ઓચિંતા જ આશ્રમની મુલાકાત લેતા વિશ્વાનંદ માતાજી સહિત આશ્રમ પરિવાર અને સ્થાનિક સત્સંગ મંડળમાં ભારે રાજીપો જોવા મળ્યો હતો.

બગસરા કથા બાદ ઓચિંતું આગમન:
મળતી વિગતો અનુસાર, બગસરા ખાતે આયોજિત રામકથાની પૂર્ણાહુતિ બાદ પૂ. મોરારિબાપુ સહજ ભાવે જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ ખાતે પધાર્યા હતા. અહીં તેમણે વિશ્વાનંદ માતાજી સાથે પ્રાસંગિક વાતચીત કરી આશ્રમની પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને થોડો સમય વિશ્રાંતિનો લાભ લીધો હતો. એકાદશીના દિવસે જ પૂ. બાપુનું આગમન થતા આશ્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ સોનામાં સુગંધ ભળવા જેવો બની રહ્યો હતો.

મહિલા મંડળ અને ભક્તોમાં ઉત્સાહ:
પૂ. બાપુના આગમન વેળાએ આશ્રમમાં સત્સંગ મંડળ અને મહિલા મંડળ દ્વારા ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે કંચનબેન માંગુકિયા, હિરાબેન માણિયા, વિમળાબેન માણિયા, મંજુબેન પટેલ, શાંતુબેન ડાભી અને હંસાબેન લખાણી સહિતની મહિલાઓએ પૂ. બાપુ પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો.

કાર્યકર્તાઓની ઉપસ્થિતિ
આ સહજ મુલાકાત દરમિયાન જાળિયા અને આજુબાજુના વિસ્તારના અનેક અગ્રણીઓ અને આશ્રમના કાર્યકર્તાઓ જોડાયા હતા. જેમાં રણછોડભાઈ માણિયા, વિઠ્ઠલભાઈ માંગુકિયા, નટુભાઈ સવાણી, કરશનભાઈ માણિયા, કાળુભાઈ રાઠોડ, રામજીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, બાલાભાઈ પટેલ, રોનકભાઈ સોલંકી અને મનુભાઈ લખાણી સહિતના સેવકોએ હાજર રહી પૂ. બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. પાપમોચિની એકાદશીએ પૂ. બાપુનું સાનિધ્ય મળતા સમગ્ર શિવકુંજ આશ્રમ પરિવારમાં ધન્યતાની લાગણી વ્યાપી ગઈ હતી.

(6:43 PM IST)