તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
જોડિયા પોલીસની લાલ આંખ: ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર રેતી ભરેલા બે ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડતી પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી આર.એસ. રાજપુત અને ટીમે બાલંભા તેમજ કેશિયા ગામેથી ૧૬.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ-ખનીજ ધારા હેઠળ કાર્યવાહી કરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ:જામનગર જીલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી પાસ વગર ઓવરલોડ વાહનો ચલાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રોયલ્ટી પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી વહન કરતા વાહન ચાલકો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ (જામનગર ગ્રામ્ય વિભાગ) ના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. રાજપુત તથા સ્ટાફના માણસો દ્વારા જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બાલંભા અને કેશિયા ગામે પોલીસનો દરોડો:
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બાલંભા વિસ્તાર તથા કેશિયા ગામે તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ કે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર ઓવરલોડ રેતી ભરી વહન કરતા બે ટ્રક (ડમ્પર) ઝડપાઈ ગયા હતા. પોલીસે ડમ્પર નંબર (૧) GJ-10-TT-8529 તથા (૨) GJ-13-W-1593 ને સ્થળ પર જ રોકીને તપાસ કરતા તેમાં ગેરકાયદેસર સાદી રેતી ભરેલી હોવાનું માલૂમ પડ્યું હતું.
૧૬.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત:
આ કામગીરી દરમિયાન પોલીસે અંદાજે ૧૪,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે ડમ્પર વાહનો તથા તેમાં ભરેલી આશરે ૨,૩૦,૦૦૦ રૂપિયાની કિંમતની ગેરકાયદેસર સાદી રેતી મળી કુલ ૧૬,૩૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા વાહનો સામે એમ.વી. એક્ટ હેઠળ તથા ખાણ-ખનીજ ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. રાજપુત તથા જોડિયા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
