<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મોરબીના સિરામિક હબ પર 'યુદ્ધ'ની કાળી છાયા: ગેસના ભાવ ભડકે બળતા ૩૦૦ થી વધુ ફેક્ટરીઓને લાગ્યા તાળા, લાખો શ્રમિકોના ભાવિ અધ્ધરતાલ!

ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષે વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક સેન્ટરની કમર તોડી; પ્રોપેન અને નેચરલ ગેસ આસમાને પહોંચતા ઉત્પાદન ઠપ્પ, ઉદ્યોગકારોમાં ફફડાટ.

મોરબી: વિશ્વભરમાં પોતાની ટાઇલ્સ અને સેનિટરી વેર માટે જાણીતું ગુજરાતનું ગૌરવ સમાન મોરબી અત્યારે એક મોટા આર્થિક ભૂકંપનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા સંઘર્ષની સીધી અસર મોરબીના સિરામિક એકમો પર પડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ જતા અને ઇંધણના ભાવમાં અસહ્ય વધારો થતા, મોરબીના અંદાજે ૩૦૦ થી વધુ સિરામિક એકમોમાં 'તાળાબંધી' જેવી સ્થિતિ સર્જાઈ છે.
સિરામિક ઉત્પાદન માટે સૌથી મહત્વનું પરિબળ ઈંધણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રોપેન અને નેચરલ ગેસના ભાવમાં એટલો મોટો ઉછાળો આવ્યો છે કે કારખાના ચલાવવા હવે ઉદ્યોગકારો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, આટલા મોંઘા ગેસથી ટાઇલ્સ બનાવીને બજારમાં સ્પર્ધા કરવી શક્ય નથી. પરિણામે, ૬૦૦ જેટલા મુખ્ય એકમોમાંથી અડધાઅડધ ફેક્ટરીઓ હાલ બંધ થવાની અણી પર છે અથવા તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
પરપ્રાંતીય શ્રમિકો પર બેરોજગારીની તલવાર
મોરબીની આ આર્થિક જીવાદોરી અટકતા તેની સૌથી માઠી અસર અહીં કામ કરતા લાખો શ્રમિકો પર પડી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઓડિશાથી આવેલા હજારો શ્રમિકો રાતોરાત બેરોજગાર બની ગયા છે. ફેક્ટરીઓ બંધ થતા શ્રમિકોના પરિવારોમાં રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. જો યુદ્ધની સ્થિતિ લાંબી ચાલશે, તો મોરબીના અર્થતંત્રને વર્ષો પાછળ ધકેલાઈ જવાનો ડર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં મોરબીના ઉદ્યોગપતિઓ સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે ગેસના ભાવમાં કોઈ રાહત મળે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ થાળે પડે, જેથી ફરી એકવાર અહીંના કારખાનાના ચીમનીઓમાંથી ધુમાડો નીકળતો થાય અને શ્રમિકોના ઘરના ચૂલા સળગતા રહે.

(7:02 PM IST)