<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

કચ્છના હોડકો ગામે આડા સંબંધમાં યુવાનને કુહાડી વડે રહેંસી નાખ્યો

૫ આરોપીઓ શંકાના દાયરામાં, શિકાર કરવાના બહાને બોલાવી શિકાર બનાવ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છના ભુજ તાલુકાના ધોરડો પોલીસ સ્ટેશનમાં હોડકોના ૨૩ વર્ષના યુવાનની મળી આવેલી લાશના કિસ્સામાં હત્યાની શંકા સાથે ૫ શકમંદ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હોડકો ગામ નજીક નથુવાણી વાંઢના ૨૩ વર્ષીય યુવાન ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપોત્રાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાયેલી હત્યા પાછળ આડા સંબંધ હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવાનના કાકા ઇશાભાઇ હાલેપોત્રાએ પોલીસ ફરિયાદમાં ૫ શકમંદ આરોપીઓ અબ્દુલા હૈદર હાલેપોત્રા, હનીફ અબ્દુલા હાલેપોત્રા, ખાનુ મામદ હાલેપોત્રા, ઈસા કાદુ હાલેપોત્રા અને એક સગીર વિરુદ્ધ ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાન ઇસ્માઇલની હત્યાનું કારણ આડા સંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં કાયદાના સંઘર્ષના આવેલ સગીર વયના તરુણની બહેન સાથે સંબંધો હોઈ તેણે શિકાર કરવાના બહાને આ મૃતક યુવાનને લલચાવ્યો હતો. શિકાર માટે જનાર ઉપર તીક્ષ્ણ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નખાયો અને ખુદ શિકાર બની ગયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી શકમંદ આરોપીઓ સામે તપાસ તેજ બનાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(9:29 AM IST)