News of Tuesday, 10th March 2026
ગામ નાનું પણ સિદ્ધિ મોટી: ધ્રોલના નાના ગરેડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં CET પરીક્ષામા બે વિદ્યાર્થીઓનો રાજ્યના 'ટોપ-10' માં દબદબો
CET પરીક્ષામાં 5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે જામનગર જિલ્લાની સરકારી શાળાના તેજસ્વી તારલાઓ ઝળક્યા: કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી રાજ્ય કક્ષાએ 9મો અને 10મો ક્રમ મેળવી ઈતિહાસ રચ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦
કહેવાય છે કે ‘પરિશ્રમ એ જ પારસમણી છે’, અને આ ઉક્તિને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અક્ષરશઃ સાચી ઠેરવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-5 ની CET (Common Entrance Test) 2025-26 ના પરિણામોમાં આ નાનકડા ગામની શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે.
૫.૯૦ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે મેળવ્યું ગૌરવવંતું સ્થાન
સમગ્ર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે 5,90,000 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. જેમાં નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ પોતાની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાના દર્શન કરાવતા રાજ્ય સ્તરે ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે:
મકવાણા લવ મનીષભાઈ: 120 માંથી 104 ગુણ સાથે રાજ્યમાં 9મો ક્રમ. શિયાર ધ્રુવી નાથાભાઈ: 120 માંથી 103 ગુણ સાથે રાજ્યમાં 10મો ક્રમ.ટ્યુશનના ભાર વગરની ભવ્ય સફળતા.
આ સફળતા એટલા માટે વિશેષ છે કારણ કે આ બાળકોએ કોઈ પણ પ્રકારના મોંઘા ખાનગી ટ્યુશન રાખ્યા નહોતા. માત્ર શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને દિવસ-રાતની મહેનતથી જ આ સિદ્ધિ હાંસલ કરી છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો જીવંત પુરાવો છે.
શાળા પરિવાર અને ગ્રામજનોમાં હર્ષોલ્લાસ
આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શાળા પરિવારે ગીતાના શ્લોકને ટાંકીને જણાવ્યું હતું કે, "કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી." ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.
શાળાના વિકાસ માટે અપીલ
શાળા પરિવારે આ તકે દાતાઓને અને શિક્ષણપ્રેમીઓને અપીલ કરી છે કે, આ જ પ્રકારે ગ્રામીણ પ્રતિભાઓ ખીલતી રહે તે માટે શાળાના વધુ વિકાસ માટે યથાશક્તિ યોગદાન આપી સહભાગી બને. જેથી ભવિષ્યમાં હજુ પણ વધુ બાળકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગામનું નામ રોશન કરી શકે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
