તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
ઉમરાળાના જાળીયા પાસે ડિવાઈડર સાથે બુલેટ અથડાતા ત્રણ મિત્રોના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯: ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે જાળીયા અને માંડવા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માહિતી મુજબ જાળીયા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રવિભાઈ જીવરાજભાઈ ડાભીનો મોટો ભાઈ કમલેશ જીવરાજભાઈ ડાભી ઉં.વ. ૨૪) તેના મિત્રો સદામખાન દોલતખાન પઠાણ અને સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી સાથે બુલેટ જીજે-૦૧-એમવી-૧૭૭૫ પર સવાર થઈ લીમડા તરફ ગયા હતા. જ્યારે આ ત્રણેય મિત્રો લીમડાથી પરત જાળીયા આવી રહ્યા હતા, ત્યારે શ્રીજી વોટર પાર્ક પાસે ચાલક સદામખાન પઠાણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બુલેટ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જોરભેર ભટકાતા ત્રણેય યુવાનો હવામાં ફંગોળાયા હતા.
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ઢસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે કમલેશ ડાભી અને સદામખાન પઠાણને મળત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ત્રીજા મિત્ર સંજય સોલંકીને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નીપજ્યું હતું.
એકસાથે ત્રણ યુવાનોના મોત થતા પોલીસે આ મામલે ગુનો નોંધી મળતકોના પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ પૂરઝડપે વાહન ચલાવવું ત્રણ મિત્રો માટે જીવલેણ સાબિત થયું હતું.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
