તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
ગોંડલમાં પત્રકારત્વના નામે 'બ્લેકમેઇલિંગ'નું દૂષણ: RNI વગરના 'સોશિયલ મીડિયા પત્રકારો'નો રાફડો ફાટતા ખળભળાટ
પત્રકારત્વની આડમાં તોડબાજી અને બદનામીનું નવું રકેટ: ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને રાજકીય નેતાઓને નિશાન બનાવતા નકલી મીડિયાકર્મીઓથી શહેર ત્રાહિમામ, તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ

ગોંડલ:ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના નામે ચાલતા ગુનાહિત કારનામાઓનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. કોઈ પણ પ્રકારના અધિકૃત RNI (રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર ફોર ઈન્ડિયા) રજિસ્ટ્રેશન વગર, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરૂપયોગ કરીને પોતાને 'પત્રકાર' ગણાવતા શખ્સોનો રાફડો ફાટ્યો છે. આ ટોળકીનું મુખ્ય કામ જ સોશિયલ મીડિયા પર નકારાત્મક સમાચાર કે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને રાજકીય આગેવાનો પાસેથી તોડબાજી કરવાનું બની ગયું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે સાચા અને જવાબદાર પત્રકારોની વિશ્વસનીયતા પણ દાવ પર લાગી છે.
સ્થાનિક વેપારી વર્ગ અને જાગૃત નાગરિકોમાં આ 'નકલી' પત્રકારો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મતે, આ લોકો માત્ર પોતાની ચેનલ કે પેજના માધ્યમથી લોકોને બદનામ કરવાનો ડર બતાવીને આર્થિક ફાયદો ઉઠાવે છે. જે લોકો નમતું જોખતા નથી તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી તેમની છબી ખરડવાની ધમકી આપવામાં આવે છે. આ પ્રકારના બ્લેકમેઈલિંગથી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ છે. ગોંડલના લોકોનું માનવું છે કે મીડિયાના પવિત્ર વ્યવસાયને કલંકિત કરવાનું આ કામ કરનારા તત્વો સામે તંત્ર સખત કાર્યવાહી કરે તો જ શહેરમાં શાંતિ સ્થપાય શકે તેમ છે.
આ મામલે હવે શહેરના જાગૃત નાગરિકો લડાયક મૂડમાં આવી ગયા છે. જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તમામ મીડિયા પ્રતિનિધિઓની અધિકૃત વિગતો અને RNI રજિસ્ટ્રેશનની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે તમામ બિનઅધિકૃત ચેનલો અને પેજને તાત્કાલિક અસરથી બંધ કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ગોંડલ વહીવટી તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અને આવા 'સોશિયલ મીડિયા પત્રકારો'ના નેટવર્કને કેવી રીતે નેસ્તનાબૂદ કરે છે, તેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
