<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મોરબીમાં ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ: દલવાડી સર્કલ પર હિન્દુ સંગઠનોનું આક્રમક ઓપરેશન, કતલખાને જતા ૧૭ અબોલ જીવોને મુક્તિ

કચ્છથી રાજકોટ તરફ જઈ રહેલા ક્રૂર તસ્કરોના મનસૂબા પર ગૌરક્ષકોનું પાણી: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સતર્કતાથી જીવતા બચ્યા અબોલ જીવ, આરોપીઓને પોલીસને હવાલે કરી કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ

મોરબી:મોરબીના દલવાડી સર્કલ પાસે આજે ગૌભક્તોએ એક સાહસિક ઓપરેશન પાર પાડીને ગૌવંશની તસ્કરી કરતા તત્વોને આડે હાથ લીધા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે, કચ્છથી રાજકોટ તરફ જઈ રહેલા એક વાહનને આંતરવામાં આવ્યું હતું. આ વાહનમાં ૧૭ અબોલ જીવોને અત્યંત ક્રૂરતાપૂર્વક અને ગીચ રીતે બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. ગૌરક્ષકોની ટીમે સમયસૂચકતા વાપરીને વાહનને દલવાડી સર્કલ પાસે રોકતા જ તસ્કરોની પોલ ખુલી ગઈ હતી અને કતલખાને જઈ રહેલા અબોલ જીવોને મોતને મુખમાંથી ઉગારી લેવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને ગૌરક્ષકોએ વાહન ચાલકને પકડી લઈ પોલીસને જાણ કરતા બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, માળિયા થઈને મીતાણા તરફ આ ગૌવંશને કતલ કરવાના ઈરાદે ઠાલવવામાં આવનાર હતા. પોલીસના સહયોગથી તમામ અબોલ જીવોને વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તસ્કરો દ્વારા ગૌવંશ સાથે કરવામાં આવતી આવી અમાનવીય ક્રૂરતા જોઈને ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માંગ ઉઠી હતી.

પોલીસે અત્યારે વાહન જપ્ત કરીને પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. આખું નેટવર્ક કોણ ચલાવે છે અને કચ્છથી આ તસ્કરી ક્યારથી ચાલી રહી છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. મોરબીની આ ઘટનાએ ફરી એકવાર ગૌવંશની સુરક્ષા માટેના કાયદાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે ગૌરક્ષકોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં અટકે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગૌવંશને સુરક્ષિત આશ્રયસ્થાનમાં મોકલવાની તજવીજ કરવામાં આવી રહી છે.

(11:32 PM IST)