તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
અમરેલીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ લોહિયાળ બન્યો: ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર જીવલેણ હુમલો, સહકારી બેંકના ડિરેક્ટરે ઘાતક હથિયાર વડે મચાવી રક્તરંજિત અફરાતફરી!
દામનગરમાં રાજકીય ડ્રામા વચાળે લોહીના ફુવારા: પ્રકાશ તજા પર હીરા નવાપરાનો ખૂની હુમલો, ગંભીર હાલતમાં નેતાને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા, પોલીસ છાવણીમાં ફેરવાયું શહેર

દામનગર: અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં આજે એક સરકારી કાર્યક્રમ દરમિયાન લોહિયાળ જંગ ખેલાતા સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક તરફ વિકાસ કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું અને બીજી તરફ સત્તાધારી પક્ષના જ બે નેતાઓ આમને-સામને આવી જતાં કાર્યક્રમ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ધોળા દિવસે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.
ધારાસભ્યની હાજરીમાં જ હથિયારો ઉછળ્યા
ઘટનાની વિગતો મુજબ, દામનગરમાં એક ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય (MLA) જનક તળાવિયા પોતે હાજર હતા. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો ત્યારે અચાનક કોઈ જૂની અદાવત કે તાત્કાલિક વિવાદને પગલે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરા નવાપરા ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે હીરા નવાપરા ઘાતક હથિયાર સાથે પ્રકાશ તજા પર તૂટી પડ્યા હતા, જેના કારણે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ગંભીર હાલતમાં ભાવનગર રિફર કરાયા
આ ખૂની હુમલામાં ભાજપ નેતા પ્રકાશ તજાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્યની નજર સામે જ બનેલી આ ઘટનાને પગલે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિકાસના કામનું ખાતમુહૂર્ત અધવચ્ચે જ અટકાવી દેવું પડ્યું હતું.
પોલીસનો કાફલો ઉતારી દેવાયો
ઘટનાની ગંભીરતાને જોતા દામનગર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હુમલા પાછળનું સચોટ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ રાજકીય જૂથવાદ આ ઘટના પાછળ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. પોલીસે હીરા નવાપરા વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલા બાદ દામનગરમાં તણાવભરી શાંતિ જોવા મળી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
