<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મોરબી : સિરામિક ઉદ્યોગ સંકટમાં : શટ ડાઉન થનાર ફેકટરીઓની સંખ્‍યા ૧૦૦ને પાર

પ્રોપેન ગેસ ન મળતા સિરામિકના કારખાનાઓ ક્રમશઃ બંધ થવાનું શરૂઃ શ્રમિકોને રહેવા-રાશનની વ્‍યવસ્‍થા કરાવતા કારખાનેદારો-કોન્‍ટ્રાકટરોઃ સિરામિક ઉદ્યોગને પગલે પેકેજીંગ ઉદ્યોગ બંધ થવાને આરે, ૧૯૨ એકમો પર સંકટઃ જો સ્‍થિતિ નહિ સુધરે તો ચારથી પાંચ જ દિવસમાં ૪૦૦ યુનિટો બંધ થવાની તૈયારીમાં : એક્‍સપોર્ટના ઓર્ડર સ્‍થગિત : મનોજભાઈ એરવાડીયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૭: વર્તમાન યુદ્ધની સ્‍થિતિને પગલે આજે સીરામિક ઉદ્યોગની વિકટ સ્‍થિતિ વિશે પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્‍યું હતુ કે, ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ અને વૈશ્વિક રાજકીય અસ્‍થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પ્રોપેન ગેસની સપ્‍લાયમાં અનિશ્‍ચિતતા અને નિકાસમાં ઉભા થયેલા અવરોધોને કારણે સિરામિક ઉદ્યોગ અત્‍યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શટ ડાઉન થનાર ફેકટરીઓની સંખ્‍યા બે જ દિવસમાં ૧૦૦ને પાર થઈ ગઈ છે.

યુદ્ધની અસર દેખાઈ રહી છે, જેનાથી નિકાસ પર ગંભીર અસર પડી છે. હાલમાં નવી કોઈ નોંધપાત્ર માંગ નથી, અને જે ઓર્ડર અગાઉથી મળ્‍યા હતા તે પણ સ્‍થગિત કરી દેવામાં આવ્‍યા છે. બનેલો માલ કયારે નિકાસ થશે તે અંગે પણ અનિશ્‍ચિતતા છે. આ સ્‍થિતિ ઉદ્યોગકારો માટે અત્‍યંત ચિંતાજનક.

મુખ્‍યમંત્રીએ ચિંતા વ્‍યક્‍ત કરી

આ ગંભીર પરિસ્‍થિતિની નોંધ લેતા, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયાએ ચિંતા વ્‍યક્‍ત કરી છે. તેમણે સિરામિક ઉદ્યોગને શું રાહત કે મદદ પૂરી પાડી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. ઉદ્યોગકારો પણ સરકાર પાસેથી યોગ્‍ય રાહત અને સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આ વિકટ પરિસ્‍થિતિમાંથી બહાર આવી શકાય.

પેપર મિલ, પેકેજીંગ અને ટ્રાન્‍સપોર્ટરને પણ ભારે અસર

મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં તેની સીધી અસર પેપર મિલ, પેકેજીંગ, ટ્રાન્‍સપોર્ટર સહિતના ઉદ્યોગો પર પડી છે. ઉપરાંત આ તમામ ક્ષેતી કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ પ્રશ્‍ન સર્જાયો છે. હવે આ ઉદ્યોગોમાં આવેલા સંકટને કારણે સમગ્ર પંથકના અર્થતંત્ર ઉપર આની ભારે અસર જોવા મળશે.

શ્રમિકોને રહેવા-રાશનની વ્‍યવસ્‍થા કરાવતા કારખાનેદારો-કોન્‍ટ્રાકટરો

મોરબીની આસપાસના વિસ્‍તારમાં આવેલા સીરામીક કારખાનાઓમાંથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરતા કારખાનેદારોને હવે પ્રોપેન ગેસ મળવાનું બંધ થયું છે જેથી ના છૂટકે ક્રમશઃ સીરામીકના કારખાનાઓ બંધ થવા લાગ્‍યા છે જોકે, ગેસની સપ્‍લાય પુનઃ નિયમિત રીતે શરૂ કરવામાં આવે ત્‍યાં સુધી શ્રમિકો કે તેઓના પરિવારજનો હેરાન ન થાય તેના માટેની વ્‍યવસ્‍થા કારખાનેદારો કે પછી કોન્‍ટ્રાકટરો દ્વારા કરવામાં આવી રહી છે જેથી શ્રમિકો તેઓના વતનમાં હાલમાં જશે નહીં અને જયારે કારખાના શરૂ કરવાના હશે ત્‍યારે કારખાનેદારો કે પછી કોન્‍ટ્રાકટરોને શ્રમિકોને શોધવા સહિતનું મુશ્‍કેલીઓનો સામનો કરવો પડશે નહીં.

મોરબીના સીરામીક ઉદ્યોગપતિ હિતેશભાઈ દેત્રોજાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે મોરબીની આસપાસમાં જે સીરામીકના કારખાના આવેલા છે તેમાં પ્રત્‍યેક કારખાનામાં સરેરાશ ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકોને રોજગારી મળતી હોય છે જોકે હાલની પરિસ્‍થિતિમાં ગેસ ન મળવાના કારણે પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના બંધ થવા લાગ્‍યા છે પરંતુ ત્‍યાં રોજગારી મેળવતા શ્રમિકો અને તેના પરિવારજનો હેરાન ન થાય તે માટે કારખાનેદારો અને કારખાનામાં જુદી જુદી કામગીરી માટે કોન્‍ટ્રાક્‍ટ રાખનારા કોન્‍ટ્રાક્‍ટર દ્વારા તેઓના શ્રમિકો માટે રહેવા માટેની અને રાશનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

૧૯૨ એકમો પર સંકટ

યુદ્ધને પગલે મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગની માઠી બેઠી છે ગેસની કટોકટી, વધતા શીપ ભાડાને પગલે ઉત્‍પાદન પર અસર પડી છે એક્‍સપોર્ટ બંધ છે જેની સીધી અસર મોરબી પેકેજીંગ ઉદ્યોગ પર પડી રહી છે અને પેકેજીંગના ૧૯૨ યુનિટો પણ બંધ કરવાની સ્‍થિતિ નિર્માણ પામી છે.

મોરબી પેકેજીંગ એસો. પ્રમુખ પાર્થભાઈ બારૈયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ૪૨ ઓટો અને ૧૫૦ મેન્‍યુઅલ સહીત કુલ ૧૯૨ પેકેજીંગ યુનિટ કાર્યરત છે અને યુનિટમાં તૈયાર થતો બોક્‍સ સહિતનો ૧૦૦ ટકા માલ મોરબી સિરામિક ઉદ્યોગમાં જતો હોય છે હાલ ગેસ કટોકટીને કારણે સિરામિક એકમો બંધ થઇ રહ્યા છે જેની સીધી અસર પેકેજીંગ એકમોને થઇ રહી છે હાલ ૫૦ ટકા જેટલું કામકાજ બંધ થયું છે અને સિરામિક એકમો બંધ થાય તો તમામ યુનિટો બંધ કરવાની ફરજ પડશે.

(12:04 PM IST)