<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

આગામી ચોમાસામાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વાવાઝોડાનો ખતરો: ગુજરાતમાં ૬૫ થી ૭૦ ઇંચ વરસાદની સંભાવના

હોળીની જાળ અને પવનોની દિશા પરથી કરવામાં આવેલી આગાહી મુજબ, ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ૭૦ ટકા શક્યતા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ અને ગુજરાતમાં ૬૫ થી ૭૦ ઈંચ વરસાદ પડી શકે છે, જ્યારે રાજસ્થાન માટે ચોમાસું ચિંતાજનક રહેશે.

હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાએ સેટેલાઇટના માધ્યમથી પવનોના અભ્યાસ અને વિવિધ મોડલ આધારિત આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી આવી રહેલા ચોમાસુ વર્ષમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ૭૦ ટકા શક્યતા છે, જે સૌરાષ્ટ્ર અથવા કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. એકંદરે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે, પરંતુ રાજસ્થાન માટે આ વર્ષનું ચોમાસું ચિંતાજનક રહી શકે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં દેશનો સૌથી વધુ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં હોળીની જાળ ઉત્તર, પૂર્વ, દક્ષિણ, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય એમ વિવિધ દિશાઓમાં જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાથી ૨૦ કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારોમાં આકાશ તરફ ઉપર જતી જાળ જોવા મળી છે.

 

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા અરબી સમુદ્રમાં જુદા જુદા પવનો હોવાથી ચોમાસાનું ત્રણ ભાગમાં વિભાજન થશે. સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, પરંતુ ચોમાસાની શરૂઆત અને ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ વરસી શકે છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ૬૫ થી ૭૦ ઈંચ જેટલો ખૂબ વધુ વરસાદ નોંધાઈ શકે છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા અંગે આઈએમડી પણ સતત નજર રાખે છે, અગાઉ પણ બિપરજોય અને અસના જેવા વાવાઝોડાં ગુજરાતને પ્રભાવિત કરી ચૂક્યા છે.

 

(11:45 AM IST)