<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધુ ૭૩ વીજ કનેક્‍શન કપાયા

૨૪૬૬ ગ્રાહકો પાસેથી ૧.૧૮ કરોડની બાકી વીજબિલની વસૂલાતઃ ૧૬૩ જેટલી પીજીવીસીએલ વિભાગની ટીમોને કામે લગાવી

વઢવાણ તા.પઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા બાકી ઉઘરાણી મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા હવે બાકી વીજ બિલ ધારકો ના વીજ કનેક્‍શન કાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં સુરેન્‍દ્રનગર પીજીવીસીએલ વિભાગની ૧૬૩ જેટલી ટીમો અલગ અલગ વિસ્‍તારોમાં બનાવી અને બિલ ઉઘરાણી કામે લગાવવામાં આવી હતી પરંતુ બિલ ઉઘરાવવા ગયેલી પીજીવીસીએલ વિભાગની ટીમને બાકી બિલની રકમની ચુકવણી ન કરવામાં આવતા અંતે મીટરો કાપી નાખવામાં આવ્‍યા છે.

સુરેન્‍દ્રનગર પીજીવીસીએલ વિભાગને ૧૫૧ કરોડ રૂપિયાની બાકી વીજ બિલની ઉઘરાણી બાકી છે જેમાં સરકારી કચેરીઓ નગરપાલિકા મહાનગરપાલિકાના બીલો પણ બાકી છે ત્‍યારે હવે આ મુદ્દે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં ૭૩ જેટલા ગ્રાહકો દ્વારા ૪.૩૯ લાખ રૂપિયાની બાકી વીજ બિલની રકમ ન ભરવામાં આવતા તેમના વીજ કનેક્‍શન કાપી નાખવામાં આવ્‍યા છે.

બીજી તરફ ૨૪૬૬ જેટલા વીજ ગ્રાહકો દ્વારા વીજબિલ ઉઘરાણી કરવા ગયેલી ટીમને બાકી વીજ બિલની રકમની ચુકવણી કરવામાં આવી છે ૧.૧૮ કરોડ રૂપિયાની ચુકવણી કરી અને પોતાના વીજ મીટર કપાય નહીં તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે ત્‍યારે હજુ પણ આ કામગીરી યથાવત રહેવાની છે ત્‍યારે જે ગ્રાહકોએ પોતાનું બિલ ન ભર્યું હોય તે તાત્‍કાલિક ભરી દયે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

(1:13 PM IST)