News of Tuesday, 3rd March 2026
કચ્છ યુનિવર્સિટી દ્વારા માતૃભાષા દિનની ઉજવણી: ગુજરાતી ભાષાની વિશિષ્ટતા અને વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની પરિસ્થિતિ સંદર્ભે ચિંતન
માતૃભાષાનું મહત્વ સમજાવી, સાહિત્ય અને ભાષાને નવા પરિપ્રેક્ષ્યમાં જોવાની અને જોડણીભૂલો અને વ્યાકરણદોષથી બચવાની વિદ્યાર્થીઓને ભલામણ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : ગુજરાતી સાહિત્ય અકાદમી - ગાંધીનગર દ્વારા માતૃભાષા સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના 'અક્ષરભવન'માં ગુજરાતી વિભાગ દ્વારા 'માતૃભાષા મહોત્સવ ૨૦૨૬' યુનિવર્સિટીના કુલપતિ ડૉ.મોહનભાઈ પટેલ, ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. ગુજરાતી વિભાગના અધ્યક્ષા અને વિઝ્યુઅલ આર્ટ્સ ના ડીન ડૉ .કાશ્મીરાબેન મહેતા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાતરીકે ડૉ.પૂર્વી ગોસ્વામી અને ડૉ.મનોજ છાયા ની ઉપસ્સ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરાઈ. પ્રસંગ પરિચય આપતાં હિના બેને વિશ્વ માતૃભાષાદિનની શરૂઆતથી માંડીને, અકાદમી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી યોજાતા આ પ્રકલ્પ ધીરે - ધીરે વેગવાન બને છે એમ જણાવ્યું હતું. કુલપતિ ડો.મોહનભાઈ પટેલે કચ્છને નવી ત્રણ સરકારી કૉલેજ મળી એનો આનંદ વ્યક્ત કરતા માતૃભાષાનું મહત્વ સમજાવી, સાહિત્ય અને ભાષાને નવા પરિપ્રેક્ષ્યમાં જોવાની અને જોડણીભૂલો અને વ્યાકરણદોષથી બચવાની વિદ્યાર્થીઓને ભલામણ કરી હતી. વક્તા પૂર્વીબેને જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટ, લાભશંકર ઠાકર, અશરફ ડબાવાલાના કાવ્યોનો આસ્વાદ કરાવી, કાવ્યમાં રહેલી વિવિધ પ્રકારની બાનીની, કાવ્યભેદોની ચર્ચા કરતાં, ગુજરાતી કાવ્ય સાહિત્યમાં રહેલ ભાષાને પામવા વિધાર્થીઓને નવો દ્રષ્ટિકોણ વિકસાવવા જણાવ્યું હતું. લાલન કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને વક્તા મનોજ છાયાએ માતૃભાષા દિનનો ઇતિહાસ, માતૃભાષાની સાંપ્રત સમયમાં સ્થિતિ , ગુજરાતી ભાષાના વિસરાયેલા શબ્દો તેમજ હાલના સમયમાં બોલાતી અન્ય પ્રાદેશિક ભાષાની અસરવાળી ભેળસેળયુક્ત ગુજરાતી ભાષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. બન્ને અભ્યાસુ વક્તાઓના વક્તવ્યમાં ઊંડાણ હતું. કાર્યક્રમના અંતે ગુજરાતી વિભાગાધ્યક્ષા ડૉ. કાશ્મીરાબેન મહેતાએ માતૃભાષા પોતીકી હોઈ એમાં રહેલા ગુપ્ત સંકેતો માતૃભાષા જાણતાં લોકો વચ્ચે સંદેશા વ્યવહારનું ઉત્તમ માધ્યમ બને છે એમ જણાવી આ પ્રસંગે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સંયોજક ડૉ.નિર્દેશ બૂચે માતૃભાષા દિવસે સૌ ને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન કાગ રામે અને આભારવિધિ નંદીની હરસાણીયાએ કરી હતી.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
