તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
જેતપુર પાસે અકસ્માતમાં ગોંડલ-સરધારપુરના બે યુવાનોના મોત
નવાગઢ ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ત્યાં ઉભેલ સરધારપુરના ભાભલુભાઇ અને બાઇક ચાલક ગોંડલના કરણ દાણીધારીયાનું મોત : ટ્રેલર કન્ટેનર લઇને જતુ હતુ તેમાંથી કન્ટેનર જુદુ થઇ રોડ નીચે ઉતરતા બંને યુવાનનો ભોગ લેવાયો

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલા બન્ને યુવાનોની ફાઇલ તસ્વીર. ઘટનાસ્થળે ટ્રક અને બસ તેમજ ટ્રકથી અલગ થઇ રોડ નીચે ઉતરી ગયેલ કન્ટેનર નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનના --- દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)
(કેતન ઓઝા દ્વારા જેતપુર, તા., ૩: જેતપુરના નવાગઢ ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્યાં ઉભેલ એક નિર્દોષ બાઇક ચાલક અને અન્ય એક યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.
નવાગઢ ચોકડીથી થેડે જ આગળ ભાદર નદીના પુલ પાસે ગતરાતે એક શ્રી હરિ ખાનગી ટ્રાવેલ્સની બસ અને મચ્છી લઈને જતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં સરધારપુર ગામના ભાભલુભાઈ લાલુ ત્યાં કોઈ કારણોસર ઉભા હતા તે આ અકસ્માતની ઝપટે ચડી ગયા અને બીજો ગોંડલનો કરણ નિલેશભાઈ દાણીધારીયા ( ઉ.વ. ૨૨) નામનો યુવાન જેતપુર ખાતે પોતાના ભાણેજની પ્રથમ હોળી હોય એટલે તેની વાડ હતી તેમાં આવ્યો હતો અને તે કાર્યક્રમ પૂર્ણ કરી ગોંડલ પોતાના ઘરે મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે તે ત્યાં બાઇક ઉભું રાખી હજુ ઉભો જ રહ્યો ત્યાં તે પણ અકસ્માતની ઝપટે ચડી ગયો હતો.
અકસ્માતમાં જે ટ્રેલર કન્ટેનર લઈને જતું હતું તેમાંથી કન્ટેનર જુદું થઈ રોડ નીચે ઉતરી ગયું હતું. અને રોડ પર બંને યુવાનો પણ કન્ટેનરની ઝપટે ચડી ગયા હોય બંનેના શરીરના અવયવો જુદા પડી ગયા હતા અને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યા હતાં. સ્થળ પર અકસ્માત સર્જતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં અને કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હોવાની શંકા જતા સ્થળ પર પહોંચેલ પોલીસે કન્ટેનર ઊંચકવા ક્રેઇન બોલાવી હતી અને તેને ઉંચકતા નીચેથી કઈ મળી આવ્યું ન હતું. અકસ્માતમાં મોતને ભેટેલ કરણના પિતાનું હજુ થોડા મહિના પહેલા જ મોત નીપજ્યું હતું બે બહેનોનો એકનો એક ભાઈ હતો તેનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
ઉદ્યોગનગર પોલીસે બંને મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલી અકસ્માતની નોંધ કરી અકસ્માતની તપાસ હાથ ધરી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
