<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભાવનગરમાં ઇરાનના આયાતુલ્‍લાહ સિસ્‍તાનીની શોકસભા યોજાઈ

શિયા જૈનરલ સમાજ દ્વારા ત્રણ દિવસનો શોકઃ એક દિવસ સ્‍વૈચ્‍છિક ધંધા-રોજગાર બંધ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : ભાવનગરમાં સર્વોચ્‍ચ શિયા ધર્મગુરુ આયાતુલ્‍લાહ સૈયદ અલી સિસ્‍તાનીના નિધનને પગલે સમગ્ર શિયા મુસ્‍લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દુઃખદ અવસરે ભાવનગર ખોજા શિયા ઈથના અશરી જમાત દ્વારા શહેરના હલરિયા ચોક ખાતે એક ભવ્‍ય શોકસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

શિયા જૈનરલ સમાજ દ્વારા આ નિધનને રાષ્ટ્રીય અને ધાર્મિક ખોટ ગણાવતા ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ જણાવ્‍યું હતું કે, આયાતુલ્‍લાહ સિસ્‍તાની માત્ર એક ધર્મગુરુ નહોતા, પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને માર્ગદર્શનના પ્રતીક હતા. શોકસભા દરમિયાન તેમના જીવન અને માનવતા પ્રત્‍યેના કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્‍યા હતા.

સમાજની લાગણીને માન આપીને, આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે કે શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક દિવસ માટે તમામ શિયા ભાઈઓ પોતપોતાના ધંધા-રોજગાર સ્‍વૈચ્‍છિક રીતે બંધ રાખે. આ ઉપરાંત, તાજેતરમાં બનેલી અન્‍ય એક દુઃખદ ઘટના જેમાં ૪૦ થી ૫૦ નિર્દોષ દીકરીઓએ જીવ ગુમાવ્‍યો હતો, તેમને પણ આ સભામાં યાદ કરી શ્રદ્ધાંજાલિ આપવામાં આવી હતી.

ભાવનગરમાં શિયા સમાજના લોકોમાં ભારે ગમગીની જોવા મળી રહી છે. સમાજના પ્રતિનિધિઓએ અંતમાં ઉમેર્યું હતું કે, અમે એવી રીતે શોક મનાવી રહ્યા છીએ જાણે અમારા પરિવારનું કોઈ સભ્‍ય અમને છોડીને ગયું હોય. આગામી ત્રણ દિવસ સુધી સાદગીપૂર્વક રહીને અમે મરહુમ આયાતુલ્‍લાહના આત્‍માની શાંતિ માટે દુઆઓ કરીશું. 

(10:20 AM IST)