તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
કચ્છ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે MOU યુવાનો માટે પરિવર્તનકારી પહેલ: સાંસદ વિનોદ ચાવડા
સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કચ્છમાં સ્કિલ ડેવલપમેન્ટ, રોજગાર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મળશે નવી ગતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે સહભાગીદારી માટે એક ભવ્ય સમારોહમાં MOU સાઇન કરવામાં આવ્યા. આ સમજૂતી કચ્છ પ્રદેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભવિષ્યલક્ષી શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રોજેક્ટમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે MOUની વિવિધ જોગવાઈઓ અંગે તટસ્થ અને દૃષ્ટિપૂર્ણ પ્રશ્નો પૂછી વિગતો મેળવી હતી. આ પહેલને કચ્છના યુવાનો માટે પરિવર્તનકારી ગણાવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ 'સેન્ટર ઓફ એક્સલન્સ' (CoE) દ્વારા રોજગાર સર્જન, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને નવીન વિચારધારાનો વિકાસ થશે, જેનો લાંબા ગાળે સમગ્ર કચ્છને લાભ મળશે.
MOU પર અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના CEO શ્રી રોબિન ભૌમિક તથા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ યુનિવર્સિટીમાં સ્થાપિત થનાર CoE અંતર્ગત નીચે મુજબની સુવિધાઓ અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જેમાં
મુખ્ય ક્ષેત્રો: સોલાર અને વિન્ડ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીડ ઇન્ટિગ્રેશન.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: વિશ્વસ્તરીય સ્માર્ટ ક્લાસરૂમ્સ, રિન્યુએબલ એનર્જી લેબ્સ અને અદ્યતન સિમ્યુલેશન સેન્ટર્સ.
તાલીમ: ઉદ્યોગ જગતની જરૂરિયાત મુજબનો અભ્યાસક્રમ, ‘ટ્રેન ધ ટ્રેનર’ પ્રોગ્રામ અને ગેસ્ટ ફેકલ્ટી તરીકે ઉદ્યોગ નિષ્ણાતોનો સહયોગ મળશે.
છાત્રોને તાલીમનું પ્રમાણપત્ર: સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ સાથેના કો-બ્રાન્ડેડ પ્રમાણપત્રો, જે વિદ્યાર્થીઓની વૈશ્વિક રોજગારક્ષમતા વધારશે.
આ સંસ્થાકીય વડાઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. CEO રોબિન ભૌમિકએ જણાવ્યું કે, આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ નહીં પણ બજારલક્ષી પ્રેક્ટિકલ કૌશલ્ય પ્રાપ્ત થશે. જ્યારે કુલપતિ ડૉ. મોહન પટેલએ ઉમેર્યું કે, યુનિવર્સિટી આ પ્રોજેક્ટને શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે આગળ ધપાવશે અને રિન્યુએબલ એનર્જી તથા ક્લાઇમેટ રિઝિલિયન્સ જેવા વિષયોમાં 'એપ્લાઇડ રિસર્ચ'ને વેગ આપશે. તેમણે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ, વિભાગાધ્યક્ષો તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. શીતલ બાટીએ કર્યું હતું અને આભારવિધિ ડૉ. અનિલ ગોર દ્વારા કરવામાં આવી હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
