તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
કચ્છના ભચાઉમાં બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈએ ગુસ્સામાં બનેવીને જીપ નીચે કચડી નાખ્યો
ભાઈ મેહુલ કોળીએ જ બહેનનો સુહાગ જીગર ઉર્ફે વિનોદ પ્રેમજી કોળીને ઉજાડ્યો : મામાના આક્રોશ અને ગુસ્સાથી માસૂમ ભાણેજે પિતાની છત્રછાયા ગુમાવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: પારિવારિક સંબંધો સામે વર્તમાન સમયમાં વ્યક્ત થતો આક્રોશ દિન પ્રતિદિન હિંસક બની રહ્યો છે. કચ્છના ભચાઉમાં હ્રદય કંપાવતા કિસ્સામાં સગા ભાઈ એ બનેવીને મોતને ઘાટ ઉતારી બહેનનો સંસાર ઉજાડ્યો સાથે સાથે પોતાના માસૂમ ભાણેજ ઉપરથી પિતાની છત્રછાયા છીનવી લીધી હતી. ત્રણ દિવસ પહેલા ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં બોલેરો જીપ દ્વારા રાહદારી જીગર ઉર્ફે વિનોદ પ્રેમજી કોળીને ઉડાડી મોતને ઘાટ ઉતારવાના કિસ્સામાં આ સમગ્ર બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે. આ અંગે ફરિયાદી આનંદ પ્રેમજી કોળીએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર તેમના મળતક ભાઈ જીગર ઉર્ફે વિનોદ કોળીએ ૨૦૨૩ માં શિલ્પા કોળી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શિલ્પાના પરિવારના સભ્યો આ બાબતે નારાજ હતા. જેના ખાર રાખી શિલ્પાના ભાઈ મેહુલ કોળીએ ફૂલવાડી વિસ્તારમાં પગપાળા જતાં પોતાના બનેવી જીગર ઉર્ફે વિનોદ કોળીને બોલેરો જીપથી કચડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સમયે તેની સાથે તેનો મિત્ર હર્ષદ પ્રજાપતિ હતો. હર્ષદ ખાનગી ડ્રાઈવર તરીકે જેમની બોલેરો જીપ ચલાવતો એ શેઠની જીપ લઈ આવ્યો હતો અને મેહુલને આપી હતી. ગુસ્સા અને આક્રોશમાં ભાઈએ પોતાની સગી બહેનનો સુહાગ ઉજાડી માસૂમ ભાણેજ ઉપરથી પિતાની છત્રછાયા છીનવી લીધી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપીઓને ઝડપવાની ગતિવિધિ તેજ બનાવી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
