તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
મોરબીમાં ક્રૂર હત્યા : યુવાનને મોતને ઘાટ ઉતારી લાશ દાટી માથે સિમેન્ટનું ધાબુ ભરી દીધું!
તા.૧૯ના રોજ તાજમહંમદ ભટ્ટી નામનો યુવાન ગુમ થયો હતો અઠવાડિયા બાદ મળતદેહ મળ્યો : સોની યુવાનની હત્યાની શાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર

(જયેશ ભટ્ટાસણા-પ્રવિણ વ્યાસ દ્વારા) ટંકારા-મોરબી , તા.,૨૬ : મોરબી શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત ૧૯ ફેબ્રુઆરીના રોજ શનાળા રોડ પર સરદારબાગ પાસે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે સોની યુવાન જતીન આડેસરાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પીપળી રોડ ઉપર વધુ એક હત્યાનો કંપાવનારો બનાવ સામે આવ્યો છે.
સુત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, વીસીપરા વિસ્તારમાં રહેતો તાજમહંમદ ભટ્ટી નામનો યુવાન ગત ૧૯ તારીખથી ગુમ હતો, જેની ઘાતકી હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે. હત્યારાઓએ ક્રૂરતાની હદ વટાવીને મોરબીના પીપળી રોડ પર આવેલા શિવાય કોલ કોર્પોરેશન નામનાં કારખાનામાં આ યુવાનની કોઈ કારણોસર હત્યા કરી તેને જમીનમાં દાટીને તેના પર સિમેન્ટ કોન્ક્રીટનું ધાબુ ભરી દીધું હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે.
ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, બી ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ સિમેન્ટનું ધાબુ તોડીને મળતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં સૂત્રો એવું જણાવી રહ્યા છે કે તા.૧૯ના રોજ આ યુવાન ગુમ થયો હતો. યુવાન જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો. ગુમ થયાના બે દિવસ બાદ યુવાનની ગાડી સેવા સદન રોડ ઉપરથી મળી આવ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પોલીસ તપાસ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સત્તાવાર રીતે સામે આવશે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
