<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

કાલે પચ્‍છેગામમાં પૂ.લાલબાપુ દ્વારા પશુઓને ઘાસચારો પક્ષીઓને ચણ વિતરણ

પૂ.રમેશભાઇ ઓઝા ‘પૂ.ભાઇશ્રી'ના વ્‍યાસાસને આયોજીત શ્રીમદ ભાગવત સપ્‍તાહનો લાભ લેતા ભાવિકો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૨૫: ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમના વિશ્વ વંદનીય સંત પૂજ્‍ય લાલબાપુ દ્વારા પચ્‍છે ગામમાં ભવ્‍ય પપ્રસાદ ભોજન અને વ્‍યસનમુક્‍તિ કાર્યક્રમમાં સ્‍વયંભૂ ઉપલેટા પંથકના લોકો જોડાઈ તે માટે મંદિરના સ્‍વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ગઈકાલથી વલ્લભીપુર તાલુકાના પચ્‍છે ગામ મુકામે મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્‍સવ શ્રીમદ ભાગવત સપ્તાહ તથા ૫૫૧ કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞનો ધામધૂમથી પ્રારંભ થઈ ચૂકયો છે ત્‍યારે આ દિવ્‍ય મહોત્‍સવ સાત દિવસ તા.૨૮/૨ સુધી ચાલનાર છે.

તેમાં તારીખ ૨૬/૨  ના ગુરુવારના દિવસે પૂજ્‍ય લાલબાપુ દ્વારા ધર્મપ્રેમી જનતા માટે ભોજન પ્રસાદ ગાયો માટે નિરણ અને પશુ પંખીઓ માટે લાડુ અને ચણ સહિતનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમજ વ્‍યસનમુક્‍તિ અભિયાનના ભાગરૂપે જે વ્‍યક્‍તિ તમાકુ છોડશે તેમને ૫૫૧ ગાયત્રી મંત્રનું પુણ્‍ય તેમજ દારૂનું વ્‍યસન છોડશે તેમને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પુણ્‍ય અર્પણ કરશે વિશેષમાં વલ્લભીપુર શહેર સહિત તાલુકાના ૫૪ ગામો ધુવાડા બંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગતની પત્રિકા વિતરણ ઉપલેટા રાજપૂત સમાજના સેવાભાવી પ્રમુખ હરપાલસિંહ જાડેજા સહિત ૫૧ યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

પૂજ્‍ય લાલબાપુ દ્વારા ગાયત્રી મંદિરે છેલ્લા બે માસ થયા દરરોજ સૌરાષ્‍ટ્રભરના આગેવાનોને બોલાવી આ કાર્યક્રમમાં પધારવા અને  કાર્યક્રમની વિગતો અંગે અનુરોધ કરી રહ્યા છે ગઈકાલે યોજાયેલ મિટિંગમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા, ઉપલેટા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, યુવા ભાજપના મહામંત્રી સુરજભાઈ ડેર, કિરીટભાઈ પાદરીયા, રાજભાઈ વાઢેર, મહાવીરસિંહ વાળા, લોક સાહિત્‍યકાર દેવરાજભાઈ ગઢવી સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો સહિતના મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા. (તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા)

(12:01 PM IST)