<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામ નજીક જીએમડીસીના લિગ્નાઈટ પ્રોજેક્ટ લઈને ગ્રામજનોમાં ભારે વિરોધ : ખેડૂતોએ ટ્રેક્ટર રેલી સાથે પગપાળા ન્યાય યાત્રા યોજી વિરોધ દર્શાવ્યો

જમીન સંપાદન પહેલાં માલિકીની જમીનમાં આવેલા ખનીજનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં લિગ્નાઈટ તથા લાઇમ સ્ટોન જેવા મુખ્ય ખનીજો હોય ત્યાં ડબલ ખનીજના જથ્થા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સહિતની માંગ ઉઠી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામ નજીક GMDCના  લિગ્નાઈટ પ્રોજેક્ટ સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રોજેક્ટના કારણે અંદાજે 3000 હેક્ટર જેટલી જમીન અસરગ્રસ્ત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા લખપતથી માતાના મઢ સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા પદયાત્રા અને ટ્રેક્ટર રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ગ્રામજનોની માંગ છે કે જમીન સંપાદન પહેલાં માલિકીની જમીનમાં આવેલા ખનીજનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં લિગ્નાઈટ તથા લાઇમ સ્ટોન જેવા મુખ્ય ખનીજો હોય ત્યાં ડબલ ખનીજના જથ્થા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે. એ સાથે જ પુનરાજપર ગામનું પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કોઈપણ કામગીરી શરૂ ન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ અગાઉ પણ અનેક વખત સરકાર સમક્ષ આ મુદ્દે રજુઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી.

મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી અને પદયાત્રા સાથે GMDCના પ્રોજેક્ટનો વિરોધ કરી કર્યો હતો.

(9:37 AM IST)