તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 23rd February 2026
ગઢડીયાની પરિણીતા કિરણબેન વાછાણીએ કાળાસરમાં માવતરે ઝેર પી જિંદગી ટુંકાવી
પતિ સાથે ચડભડ થતાં ત્રણ મહિનાથી રિસામણે હતીઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: જસદણના ગઢડીયા ગામે સાસરૂ ધરાવતી પરિણીતા ત્રણેક મહિનાથી જસદણના કાળાસર ગામે રિસામણે આવી હોઇ અહિ તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. એક વર્ષ પહેલા પરણેલી આ યુવતિ ત્રણેક મહિનાથી રિસામણે આવી હતી.
જાણવા મળ્યા મુજબ ગઢડીયા ગામે સાસરૂ ધરાવતી કિરણબેન રમેશભાઇ વાછાણી (ઉ.વ.૨૧) હાલમાં જસદણના કાળાસરમાં પિતા રમેશભાઇ વાછાણીના ઘરે હોઇ શનિવારે ૨૧મીએ તેણીએ ઝેરી દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને કરી હતી. આપઘાત કરનાર કિરણબેનના લગ્ન એક વર્ષ પહેલા ગઢડીયાના રોહિત અરવિંદભાઇ કાગડીયા સાથે થયા હતાં. પતિ ખેત મજૂરી કરે છે. ત્રણ મહિના પહેલા પતિ-પત્નિ વચ્ચે કોઇ વાતે ચડભડ થતાં તેણી રિસાઇને માવતરે કાળાસર આવી ગઇ હતી. અહિ તેણે ઝેર પી લીધુ હતું. આપઘાત કરનાર કિરણબેન બે બહેન અને એક ભાઇમાં નાની હતી. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
