<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

જામનગર-ખંભાળિયા હાઈવે પર ઠંડા પીણાની બોટલો ભરેલો ટેમ્પો પલટ્યો, રસ્તા પર કાચના ટુકડા વેરવિખેર

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારના રોજ એક માલવાહક ટેમ્પો પલટી મારી જવાની ઘટના બની છે. ઠંડા પીણાની કાચની બોટલોથી ભરેલો આ ટેમ્પો માર્ગ પર આડો પડતા હજારો બોટલો રસ્તા પર પડીને ફૂટી ગઈ હતી, જેના કારણે સમગ્ર રોડ પર કાચના ટુકડા અને ઠંડા પીણાની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતને પગલે માલસામાનને મોટાપાયે નુકસાન થયું છે અને હાઈવે પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.

 સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ટેમ્પો જામનગરથી ખંભાળિયા તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. રસ્તા પર કાચના અસંખ્ય ટુકડાઓ ફેલાઈ ગયા હોવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. કાચના કારણે અન્ય વાહનોના ટાયર પંચર થવાની ભીતિ હોવાથી ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો. 

હાઈવે ઓથોરિટી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી રોડ પર ફેલાયેલા કાચને સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

 

 પ્રાથમિક રીતે ટેમ્પોમાં ઓવરલોડિંગ અથવા યાંત્રિક ખામી સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રસ્તો સાફ કર્યા બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાઈવે પર વારંવાર સર્જાતા આવા અકસ્માતોને પગલે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

(1:00 PM IST)