<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

જૂનાગઢના કેશોદમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો પ્રિન્સ ભેડા, યુવદીપ ભેડા અને યશપાલ હડિયા ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ: મોજશોખ પૂરા કરવા લૂંટ અને મારપીટ જેવી પ્રવૃત્તિઓ: નશીલા પદાર્થોના સેવનની આદત

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પીપળિયા નગર વિસ્તારમાં આવેલા દાતારિયા હનુમાન મંદિર પાસે ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 

મળતી માહિતી મુજબ, પીપળિયા નગરમાં રહેતા મીત રાજુભાઈ શિંગાળા પોતાના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા. આ અજાણ્યા શખ્સોએ લોખંડની પાઈપ, ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો બતાવીને યુવાનોને ડરાવ્યા હતા. આરોપીઓએ હથિયારની અણીએ ધમકાવીને મીતભાઈ અને તેમના મિત્ર સાથે મારપીટ કરી હતી અને તેમની પાસેથી અંદાજે આઠ હજાર નવસો રૂપિયા જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

​આ અચાનક થયેલા હુમલા અને લૂંટના કારણે ભોગ બનનાર યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાને અંજામ આપીને આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈને નાસી છૂટ્યા હતા. 

 

જોકે, ભોગ બનનાર યુવાને હિંમત હાર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસ હરકતમાં આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રિન્સ ભેડા, યુવદીપ ભેડા અને યશપાલ હડિયા તરીકે થઈ છે. 

 

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સો મોજશોખ પૂરા કરવા માટે લૂંટ અને મારપીટ જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. આ ઉપરાંત તેઓ નશીલા પદાર્થોના સેવનની આદત ધરાવતા હોવાની અને અગાઉ પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની શંકા છે. હાલ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.*

(11:37 AM IST)