<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ચોટીલાની સરકારી કોલેજના પ્રાધ્યાપિકા ડો. નિયતિ અંતાણીનું રાજ્યકક્ષાએ ઝળહળતું સન્માન: સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વિવેચન ગ્રંથ 'કૃતિનિનાદ' માટે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત

ચોટીલા: માતૃભાષા પ્રત્યેના સમર્પણ અને સાહિત્યિક આરાધનાના ફળસ્વરૂપે ચોટીલાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજનું નામ સમગ્ર રાજ્યમાં ગુંજતું થયું છે. વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત એક ગરિમામય સમારોહમાં કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષા અને જાણીતા પ્રાધ્યાપિકા ડો. નિયતિ અંતાણીને તેમની ઉત્કૃષ્ટ સાહિત્યિક સેવાઓ બદલ 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' અને 'શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક' અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ડો. અંતાણીને આ સન્માન આપવામાં આવ્યું હતું. તેમના વિવેચન ગ્રંથ 'કૃતિનિનાદ' ને વિવેચન શ્રેણીમાં રાજ્યસ્તરે દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે, જે તેમની ઊંડી સાહિત્યિક સૂઝ અને વર્ષોના સંશોધન કાર્યનું પરિણામ છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ કર્મભૂમિ પર સ્થિત કોલેજના પ્રાધ્યાપિકાની આ સિદ્ધિએ શૈક્ષણિક અને સાહિત્યિક જગતમાં આનંદની હેલી લાવી દીધી છે. આ પુરસ્કાર માત્ર ડો. અંતાણીની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે ચોટીલા કોલેજ પરિવાર અને સમગ્ર પંથક માટે ગૌરવની ક્ષણ છે. તેમની આ સિદ્ધિ બદલ સાહિત્યકારો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

(11:13 PM IST)