તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મોરબી આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરાશે : ડીવાયએસપીએ આપી ખાતરી બનાવની જાણ થતાં પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી સમાજના આગેવાનોને સાથે રાખીને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને હસ્તગત કરી, મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો : Dy.S.P.

મોરબી તાજેતરમાં આશાસ્પદ સોની યુવાનના હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે દિવંગત યુવાનની શોકસભામાં મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા તમામ પ્રયત્નો કરી રહ્યા હોવાની ખાતરી આપી હતી.
શોકસભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, આ આકસ્મિક બનાવથી પોલીસ વિભાગને પણ ઊંડું દુઃખ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમાજના આગેવાનોને સાથે રાખીને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને હસ્તગત કરી, મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
આરોપીના રિમાન્ડ અને ઊંડાણપૂર્વક તપાસ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. આ શખ્સનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ ચાલી રહી છે. પરિવારને સંપૂર્ણ ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ તમામ કાયદાકીય પુરાવાઓ એકત્ર કરી રહી છે.
જિલ્લામાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન
આવા બનાવો ભવિષ્યમાં ન બને અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ બનાવ બાદ જિલ્લામાં ૧ ડીવાયએસપી, ૭ પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નાગરિકોને પોલીસની અપીલ
ડીવાયએસપી આલે આ તકે ઉપસ્થિત જનમેદનીને પણ એક ખાસ અપીલ કરી હતી જો કોઈ નંબર પ્લેટ વગરનું વાહન કે કાળા કાચવાળી ગાડી શંકાસ્પદ હાલતમાં ફરેલી દેખાય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. કોઈપણ ગુનાહિત કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નાગરિકો ૧૧ર (112) હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરે. અંતમાં, ડીવાયએસપીએ ફરી એકવાર પરિવારને સાંત્વના આપતા આશ્વાસન આપ્યું હતું કે પોલીસ તંત્ર તેમની સાથે છે અને ગુનેગારને સખત સજા અપાવવા કટિબદ્ધ છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
