તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં કેન્ડલ માર્ચ : લોકોમાં ભારે આક્રોશ.
લોકો સરદારબાગ પાસે રસ્તા પર બેસી ગયા : સ્થળ ઉપર ડીવાયએસપીને બોલાવાયા, ગુનેગારોનું સરઘસ બધાની હાજરીમાં કાઢવાની માંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેરમાં બે દિવસ પહેલા જાહેરમાં સોની યુવકની હત્યાની ઘટના બની હતી. આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓ અને સર્વ જ્ઞાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી દરમિયાન લોકોએ રસ્તા પર બેસીને ન્યાય આપોની માગ સાથે નારા લગાવ્યા હતા.
આજે સાંજના સમયે યુવકની હત્યાના વિરોધમાં સમાજની વાડીથી લઈને જ્યાં આ હત્યાની ઘટના બની હતી ત્યાં સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. જે સ્થળ પર હત્યાની ઘટના બની હતી ત્યાં મૃતક યુવકનો ફોટો રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. ન્યાયની માગણી સાથે લોકો રોડ પર જ બેસી ગયા હતા અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આગેવાનોએ સમજાવ્યા હતા અને કહ્યું હતું કે આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરી છે.
વધુમાં લોકોએ સરદારબાગ ખાતે પડાવ નાખ્યો છે. ડીવાયએસપીને ફોન ઉપર રજુઆત કરવામાં આવી છે કે તેઓ સ્થળ ઉપર આવે જેથી રૂબરૂ રજુઆત કરી શકે. લોકો એવું જણાવી રહ્યા છે કે જ્યારે બેસણું ચાલુ હતું ત્યારે ગુનેગારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બધા વેપારીઓ ત્યારે બેસણામાં હતા. બધાની હાજરીમાં બજારમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
