તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 21st February 2026
જૂનાગઢમાં હાઈવોલ્ટેજ ડ્રામા: કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાણીએ ઝેરી દવા ગટગટાવી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી મચાવ્યો ખળભળાટ
૨૦ લાખની ખંડણી અને ખોટા કેસમાં ફસાવવાના આરોપસર ગુનો નોંધાતા ભર્યું આત્મઘાતી પગલું; અફઝલ સીડા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

જૂનાગઢ : ગુજરાતની વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને તેની ટોળકી ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ અને તેની અંગત ગણાતી સાથીદાર દિવ્યા સાવલાણી સામે ખંડણી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાનો ગંભીર ગુનો નોંધાતા જ સનસનાટી મચી ગઈ છે. આ કાયદેસરની કાર્યવાહીથી બચવા અથવા દબાણ લાવવા માટે દિવ્યા સાવલાણીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો વધુ ગરમાયો છે.
વીડિયો શૂટ કરી ઝેર પીધું
દિવ્યા સાવલાણીએ આ અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે રડતા-રડતા પોતાની નિર્દોષતાનો દાવો કર્યો અને જણાવ્યું કે તેને ઈરાદાપૂર્વક ફસાવવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થતા જ પોલીસ અને તેના પરિચિતો દોડતા થયા હતા. હાલ દિવ્યાને ગંભીર હાલતમાં જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ આખા વિવાદના મૂળમાં અફઝલ સીડા નામનો યુવક છે. આરોપ છે કે અફઝલે કીર્તિ પટેલની હરકતોનો એક વીડિયો વાયરલ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને કીર્તિ અને તેના સાથીઓએ અફઝલને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, આ વીડિયો હટાવવા માટે અફઝલ પાસે ૨૦ લાખની તોતિંગ ખંડણી માંગવામાં આવી હતી અને જો તે પૈસા ન આપે તો તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ષડયંત્રના સામસામે આરોપ
રસપ્રદ વાત એ છે કે, આ પહેલા ફરિયાદી અફઝલ સીડાએ પણ આ જ વિવાદમાં કંટાળીને જેતપુર નજીક ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે દિવ્યાએ પણ તે જ રીતે ઝેર પીતા પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. દિવ્યાનો આરોપ છે કે પોલીસ અફઝલના ઈશારે કામ કરી રહી છે. બીજી તરફ, પોલીસે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિત ૫ શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
