તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મોરબીમાં ઓવરટેઇક મામલે જતીનભાઇ સોનીની હત્યા કરનાર બન્ને સગીરને પોલીસે હસ્તગત કર્યા
હત્યાના બનાવના પગલે સોની બજારમાં વેપારીઓ સહિતનાએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યોઃ હત્યારાઓને ફાંસીની સજા આપવા મૃતકના બહેનની માંગણી

હત્યાનો ભોગ બનનાર સોની યુવાનની તસ્વીર. બીજી તસ્વીરમાં વેપારીઓએ બંધ પાળ્યો તે નજરે પડે છે. છેલ્લી તસ્વીર ઘટનાસ્થળની છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૧: મોરબીના શનાળા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ નજીક ગત રાત્રે જતીન સોની નામના યુવાનની કરપીણ હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસ્તળત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ થયું છે કે માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં આ હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને હસ્તગત કરી લીધા છે.
ઘટનાની વિગતો આપતા ડીવાયએસપી આલે જણાવ્યું હતું કે, ગત રાત્રે શનાળા રોડ પરથી પસાર થતી એક ફોર વ્હીલ કાર અને એક્સેસ મોટરસાઈકલ વચ્ચે વાહન ઓવરટેક કરવા બાબતે અચાનક બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં એક્સેસ પર સવાર બે સગીર વયના શખ્સોએ ઉશ્કેરાઈ જઈને જતીન સોની પર છરી વડે હુમલો કર્યો હતો અને ઉપરાછાપરી ત્રણ જેટલા ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં જતીન સોનીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીર આરોપીઓને શોધી કાઢયા હતા. પોલીસે ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાઈકલ અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી લીધી છે. હાલ આ કેસની વધુ અને ઝીણવટભરી તપાસ તપાસનીશ અધિકારી આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.
સોની યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરનાર બન્ને આરોપીઓ સગીર છે. જેમાં એકની ઉપર ૧૭ વર્ષ ૫ મહિના છે. તો બીજાની ઉંમર ૧૮ વર્ષમાં એક અઠવાડિયુ જ ઓછી છે. હત્યાની આ તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારના રહેણાંક મકાનમાં દરોડો પાડી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ઘરમાંથી બીયરના રર નંગ ટીન અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ વિદેશી દારૂના જથ્થા અંગે એ-ડિવિઝન પોલીસ દ્વારા અલગથી ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરમ્યાન મોરબીમાં કાયદો વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે સોની વેપારીની હત્યાથી સમગ્ર સોની સમાજમાં નારાજગી જોવા મળી હતી અને સોની બજાર સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.
ઘટનાને પ્રત્યક્ષ નિહાળનાર મળતકના બહેન ચેતનાબેને સમગ્ર આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે ભાઈએ કારના હોર્ન વગાડ્યા પણ તેઓ જગ્યા આપતા ના હતા અને સ્કૂટર રોકી ગાળો બોલવા લાગ્યા હતા અને બંને ઇસમોએ ભાઈની ઉશ્કેરણી કરી હતી તેમજ વાહન રોડ પર રાખી ભાઈ પાસે આવી કોલર પકડી ગાડીમાંથી ઉતારી છરીના ઘા ઝીંકી ભાઇને મોતને ઘાટ ઉતારી દિધો હતો. બંન્નેને ફાંસીની સજા કરવા માંગણી કરી હતી
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
