<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ભુજના જાણીતા ‘ધ વિલા’ રિસોર્ટમાં કર્મચારીના આપઘાતના જૂના બનાવમાં ત્રણ સાથી કર્મચારીઓ સામે ગુનો દાખલ

ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ, માનસિક ત્રાસ આપી નોકરીમાંથી કાઢી પગાર ન આપી મરવા માટે મજબૂર કર્યાનો આરોપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : સમગ્ર કચ્છમાં જાણીતા એવા ભુજના “ધ વિલા” રિસોર્ટમાં બે વર્ષ પહેલા કર્મચારીએ કરેલ આપઘાતના ચકચારી બનાવમાં હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગત ૨૬/૪/૨૦૨૪ ના સચિન જયપ્રકાશ સૈની નામના ૨૬ વર્ષીય કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એ સંદર્ભે મૃતક યુવાનના પિતા જયપ્રકાશ સૈનીએ ધ વિલા રિસોર્ટ દ્વારા આપવામાં આવેલ તેમના પુત્રની ફાઇલને તપાસી હતી જેમાં હિન્દી ભાષામાં આ યુવાને લખેલ સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેના આપઘાતના કારણમાં હાઉસકીપિંગ એચઓડી કુલદીપ, હ્યુમન રિસોર્સ એચઆર મેનેજર મેડમ સહિત ત્રણ કર્મચારીનો ઉલ્લેખ કરાયો હતો. જે પોલીસે ફોરેન્સિક લેબમાં મોકલતા આ સ્યુસાઇડ નોટ મૃતક યુવાનના અક્ષરમાં જ લખેલી હોવાનું જણાતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ત્રાસ આપી મારવા માટે મજબૂર કર્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:44 AM IST)