<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

પ્રેમ સંબંધનો કરુણ અંજામ: ગર્ભવતી પ્રેમિકાએ લગ્નનું દબાણ કરતાં પ્રેમીએ આપી મોતની સજા

કચ્છના ચંદીયા ગામે હ્રદય કંપાવતો બનાવ, મિત્ર સાથે મળી પ્રેમીએ પ્રેમિકાનું ગળું ઘોંટી મારીને લાશને કૂવામાં નાખી દીધી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : વર્તમાન સમયમાં પ્રેમ સંબંધોમાં કે દાંપત્યજીવન પડતી દરાર દરમ્યાન પ્રેમી કે પ્રેમિકા દ્વારા એક બીજાની હત્યા નીપજાવવાના આઘાતજનક બનાવો સમાજ માટે અને યુવાવર્ગ માટે લાલબત્તી સમાન છે. કચ્છના ચંદીયા ગામે ૧૮ વર્ષીય યુવતી રાધા સથવારા એકાએક ગુમ થતાં તેના પરિવારજનોએ તેના ગુમ થવા અંગે ૧૭/૨ ના પોલીસ ફરિયાદ લખાવી હતી.  દરમ્યાન આ યુવતીની લાશ ચંદીયા ગામની સીમના કૂવા માંથી પથ્થર બાંધેલી હાલતમાં મળી આવી હતી. દરમ્યાન અંજાર પીઆઈ એ.આર. ગોહિલે તપાસ કરતા મૃતક યુવતીને પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. 

    પોલીસે ઘનિષ્ઠ તપાસ દરમ્યાન રાજેશ ભીખાભાઈ રબારી નામના યુવકની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. રાજેશે પોતાના મિત્ર રાહુલ રતાભાઈ રબારી (ગામ: મખિયાન,અંજાર) સાથે મળી અને રાધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ બનાવમાં હૃદયને કંપાવતી બાબત એ છે કે, મૃતક રાધા સગર્ભા હતી તેની કૂખમાં એક માસૂમ જિંદગી ધબકી રહી હતી. તેની ભૂલ એ હતી કે તેણે પોતે ગર્ભવતી હોવાનું પ્રેમી ઉપર લગ્નનું દબાણ કર્યું હતું. જો, લગ્ન ન કરે તો પોલીસ ફરિયાદની ચીમકી આપી હતી. તેણીને ક્યાં ખબર હતી કે તેની આ વાત તેના જીવ પર જોખમ સર્જશે.

    પ્રેમી રાજેશે રાધાને ઈન્સ્ટા મારફતે મેસેજ કરી ભાગી જવાનું કહી ગામની સીમમાં બોલાવી. અહીં તેનો મિત્ર રાહુલ હાજર હતો. રાજેશે અહીં પ્રેમિકા રાધાને જમીન ઉપર પાડી ગળું ઘોંટી તેની હત્યા કરી. પછી બંને મિત્રોએ સાથે મળી લાશને પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી. પણ કહેવત છે ને પાપ છાપરે ચડીને પોકારે છે, અહીં પણ એવું થયું હત્યાનો ભેદ પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ એસ.જી. વાળા અને અંજાર પોલીસની ટીમે ઉકેલી લીધો. બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

(11:33 PM IST)