<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

કચ્છમાં ૧૫ વર્ષના અતૂટ વિશ્વાસનો કરૂણ અંત: પૂર્વ MLA પંકજ મહેતાના ડ્રાઈવરે જ ગાડીમાંથી રોકડ અને કિંમતી દસ્તાવેજોની કરી ચોરી

રાપરના પૂર્વ ધારાસભ્યની 'ઘરના જ ભેદી' એ ઊંઘ ઉડાડી; ૪૦ હજાર રોકડા, જમીનની ફાઈલો અને ડાયરી સેરવી લેનાર ડ્રાઈવર વિરુદ્ધ ભુજમાં ગુનો દાખલ

ભુજ: તા.૨૦: કચ્છના રાજકારણના દિગ્ગજ નેતા અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સાથે તેમના જ અત્યંત વિશ્વાસુ ગણાતા ડ્રાઈવરે ૧૫ વર્ષ જૂનો સંબંધ લજવ્યો છે. 'ઘરનો ભેદી લંકા ઢાળે' એ ઉક્તિ મુજબ, પૂર્વ ધારાસભ્યની ગાડીમાંથી રોકડ રકમ અને જમીનના અતિ મહત્વના દસ્તાવેજોની ચોરી થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પંકજભાઈએ પોતાના જ ડ્રાઈવર મનસુખ સામે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે થઈ ચોરી?
ફરિયાદમાં જણાવાયા મુજબ, આ ઘટના ૧ ફેબ્રુઆરીથી ૪ ફેબ્રુઆરી દરમિયાન બની હતી. પૂર્વ ધારાસભ્યની ગાડીમાં રહેલા ૪૦,૦૦૦ રૂપિયા રોકડા, જમીનના અસલ દસ્તાવેજોની ફાઈલો અને હિસાબની ડાયરી ભરેલી બેગ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. પંકજભાઈએ જ્યારે શંકાના આધારે તપાસ કરી, ત્યારે તેમના જ ડ્રાઈવર મનસુખ પર શંકાની સોય અટકી હતી, જે અંતે સાચી સાબિત થઈ હતી.
ATM માંથી પણ સેરવ્યા હતા ૮૦ હજાર
આરોપી ડ્રાઈવર મનસુખની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે અગાઉ પણ પૂર્વ ધારાસભ્યનું એટીએમ (ATM) કાર્ડ ચોરીને તેમાંથી કટકે-કટકે ૮૦,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. ૧૫ વર્ષથી ડ્રાઈવર તરીકે સાથે હોવાથી પંકજભાઈએ તેના પર અતૂટ વિશ્વાસ રાખ્યો હતો, પરંતુ વારંવારની ચોરી અને કિંમતી દસ્તાવેજો ગુમ થતા આખરે તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
પોલીસ તપાસ અને દસ્તાવેજોનો પ્રશ્ન
રાજકીય અગ્રણીના જમીનના દસ્તાવેજો અને હિસાબી ડાયરી ડ્રાઈવર પાસે હોવાથી આ મામલો ઘણો સંવેદનશીલ બની ગયો છે. ભુજ પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ચોરાયેલા દસ્તાવેજો ક્યાં છે અને શું ડ્રાઈવરે આ કાગળોનો કોઈ દુરુપયોગ કર્યો છે કે કેમ?

(4:31 PM IST)