News of Thursday, 19th February 2026
શાપરમાં આડત્રીસ વર્ષિય દિનેશભાઇ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત
ઓસરીમાં બેઠેલી પત્નિ રાતે રૂમમાં સુવા માટે ગઇ ત્યારે પતિ લટકતાં મળ્યાઃ બે માસુમ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: શાપર વેરાવળમાં રહેતાં યુવાને રાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ શાપરમાં આવેલા મારૂતિ પાર્કમાં રહેતાં દિનેશભાઇ પાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) નામના યુવાને રાતે રૂમમાં એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ઓસરીમાં બેઠેલા પત્નિ સવિતાબેન રાતે રૂમમાં સુવા માટે જતાં પતિને લટકતાં જોતાં દેકારો મચાવતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતાં.
દિનેશભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દિનેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તે બે બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. આ બનાવથી બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
