<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

નાગપુરમાં અંડર-૧૫ સ્‍ટેટ ટુર્નામેન્‍ટમાં ગોંડલની દીકરીનું શાનદાર પ્રદર્શન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્‍થાન મેળવી દેશ માટે રમવાનું લક્ષ્ય

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ  તા. ૧૮ :.. ‘મન હોય તો માળવે જવાય' આ કહેવત ગોંડલ ની ૧૫ વર્ષીય શ્રેયા શેખડા સાર્થક કરી રહીછે.

ગોંડલની ૧૫ વર્ષીય ક્રિકેટર શ્રેયા રમેશભાઈ શેખડાએ તાજેતરમાં નાગપુર ખાતે રમાયેલી અંડર-૧૫ સ્‍ટેટ ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) વતી શાનદાર પ્રદર્શન કર્યું છે.

શ્રેયાના પિતા રમેશભાઈએ તેને ધોરણ ૫ થી જ ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી. મોબાઈલ એસેસરીઝના વ્‍યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ અને માતા હંસાબેને શ્રેયાના ક્રિકેટ પ્રત્‍યેના જુસ્‍સાને હંમેશા ટેકો આપ્‍યો છે. શ્રેયાએ જણાવ્‍યું કે, તેને તેના માતા-પિતાનો ખૂબ જ સારો સહયોગ મળ્‍યો છે.શ્રેયા મેદાન પર ઓલરાઉન્‍ડરની ભૂમિકા ભજવે છે અને તેની સફળતા પાછળ સખત મહેનતને મુખ્‍ય કારણ ગણાવે છે. તે વહેલી સવારે ૫ વાગ્‍યે ઉઠીને સવારે ૫ થી ૮ અને સાંજે ૫ થી ૭-૩૦ વાગ્‍યા સુધી પ્રેક્‍ટિસ કરે છે.

તેણે ગોંડલની લાયન ક્રિકેટ એકેડેમીમાં સમીરભાઇ પાસેથી ક્રિકેટના પાઠ શીખ્‍યા છે. ગોંડલ ઉપરાંત, તેણે જેતપુર, રાજકોટ અને રાજસ્‍થાન સુધીના મેદાનોમાં પોતાના કૌશલ્‍યનો પરચો આપ્‍યો છે. હાલમાં શ્રેયા ધોરણ ૧૦ માં અભ્‍યાસ કરી રહી છે. કારકિર્દીના આ મહત્‍વના તબક્કે રમત અને અભ્‍યાસ વચ્‍ચે સંતુલન જાળવવું તેના માટે પડકારજનક રહ્યું હતું. શ્રેયાએ જણાવ્‍યું કે, ધોરણ ૧૦ હોવા છતાં ક્રિકેટ પ્રત્‍યેના લગાવને કારણે તે બધું જ શકય બનાવી શકી છે. નાગપુર ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા બાદ શ્રેયા ખૂબ જ ઉત્‍સાહિત છે. તેણે જણાવ્‍યું કે તેનું એકમાત્ર લક્ષ્ય હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્‍થાન મેળવી દેશ માટે રમવાનું છે.

શ્રેયાના પિતા રમેશભાઈ શેખડાએ જણાવ્‍યું કે, તેમની દીકરી સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી અંડર-૧૫ માં નાગપુર રમી આવી છે, જે તેમના અને ગોંડલ માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું કે ગોંડલની દીકરીનું સૌરાષ્‍ટ્ર ટીમમાં પ્રથમ વખત સિલેક્‍શન થયું છે.

(11:00 AM IST)