<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ભાવનગરમાં વેપારી પર કિન્નરોનો હૂમલો

સામાન્‍ય વેપારીને લૂંટી લઇ માર મારી આંતક મચાવ્‍યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: કુંભારવાડા વિસ્‍તારમાં મહાલક્ષ્મી મીલની ચાલીમાં રહેતા અને શહેરના શેલારશા ચોકથી રેલવે સ્‍ટેશન રોડ પર મોચી કામ કરતા રમેશભાઈ જીવાભાઈ સોલંકી (ઉ.વ.૫૩) એ ગંગાજળીયા પોલીસ મથકમાં નિલમ, અનીતા, મુસ્‍કાન અને દક્ષા નામના કિન્નર સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ગઈકાલે તા. ૧૫ સવારે તેઓ તેની દુકાને વેપાર ધંધો કરતા હતા, ત્‍યારે ચાર કિન્નર તેની પાસે આવ્‍યા હતા. તું દર વખતે રૂા.૨૦ કાઢીને ઉભો રહે છે. પણ આજે તો તારે ૧૦૦ રૂપિયા આપવા પડશે, પરંતુ વેપારીએ આજે મારે હજુ કઈ વેપાર થયો નથી. મારી પાસે રૂા.૧૦૦ નથી તેમ કહી ૨૦ રૂપિયા આપ્‍યા હતા. જેથી કિન્નરોએ ૨૦ રૂપિયા લેવાની ના પાડી વેપારીને અપમાનીત કરી તેના પર પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી મારમાર્યો હતો, તેમજ વેપારીના શર્ટના ખીસ્‍સામાંથી રૂા.૧૫૦ કાઢી લઈ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં ચારેય કિન્નરોએ તેની પાસેના ભંગારની તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.

જે બાદ કિન્નરોએ કહ્યું કે, તારે પૈસા ન આપવા હોઈ તો બીજી વખત અહીંયા ધંધો કરતો નહિ અને અપશબ્‍દો બોલવા લાગ્‍યા હતા. જે દરમિયાન અન્‍ય વેપારીઓ ભેગા થઈ જતા કિન્નરો નાસી છૂટયા હતા, અને આજુબાજુના વેપારીઓ દ્વારા ઈજાગ્રસ્‍ત વેપારીને સરકારી દવાખાને સારવાર માટે ખસેડયો હતો. ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે ચારેય કિન્નરો સામે  ગુનો નોંધી ગણતરીની કલાકોમાં પોલીસે નીલમકુંવર સંગીતા કુવર (ઉ.વ.૪૨), અનિતાકુવર સંગીતાકુવર (ઉ.વ.૩૫), મુસ્‍કાનકુવર નિલમકુવર (ઉ.વ. ૪૫) અને દક્ષાકુવર રિધ્‍ધી કુવર (ઉ.વ.૩૫) સહિત તમામ કિન્નરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

(11:28 AM IST)