<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ભુજમાં બાયપાસ રસ્‍તાઓ અકસ્‍માત ઝોન બનતા લોકો રસ્‍તા ઉપર

બે દિવસમાં બે મોતને પગલે આક્રોશ, નક્કર આયોજન વગર રસ્‍તાઓ એક સામટા ખોદી નાખતા ટ્રાફિક જામ : તંત્રો વચ્‍ચે સંકલનનો અભાવ હોઈ દરરોજ નાના મોટા અકસ્‍માતો વધ્‍યા, લોકોના આક્રોશને પગલે કલેક્‍ટરે જાહેરનામું ફેરવવું પડ્‍યું, રસ્‍તા ઉપર કામ અંગેની કોઈ સૂચના કે સરકારી નિયમ પ્રમાણે વર્ક ઓર્ડરની ડિટેલ્‍સ માહિતીના બોર્ડ પણ નહીં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૭: સરકારી તંત્રના સંકલનના અભાવે વિકાસ પણ લોકો માટે માનવસર્જિત આફત બની જાય છે. ટુરિસ્‍ટ સીટી ભુજ એનું ઉદાહરણ છે. ભુજ પાલિકા અને આર એન્‍ડ બી દ્વારા રોડ રસ્‍તાના કામો શરૂ કરાયા પણ થયું એવું કે એક બાજુ ભુજના બાયપાસ રોડ તો બીજી બાજુ ભુજમાં શહેરને જોડતો સ્‍ટેટ હાઇવે એક સાથે જ ખોદી નાખવામાં આવ્‍યો. પરિણામ? ભારે ટ્રાફિક જામ. મોટા ટ્રેલરો, મહાકાય મશીનરી સાથેના વાહનો અને ઓવરલોડ ડમ્‍પરો શહેરની અંદરથી પસાર થતા રોડ ઉપર બેફામ દોડતા થયા છે. એટલે બાયપાસ રોડ તેમ જ સ્‍ટેટ હાઇવેને લાગીને આવેલી નવી સોસાયટીઓમાં રહેતા હજારો રહેવાસીઓ માટે આ ભારે વાહનો સમસ્‍યારૂપ બન્‍યા છે. તેમાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને રસ્‍તા ખોદી તેને અધૂરા છોડી પલાયન થતા કોન્‍ટ્રાક્‍ટરો સામે તંત્ર ઘૂંટણિયે પડ્‍યું હોય એમ રોડનું કામ કયારે પૂરું થશે એની કોઈ સમયમર્યાદા નહીં. સરકારી નિયમ પ્રમાણે કામ થતું હોય ત્‍યાં કોઈ પણ પ્રકારની સૂચના કે કામની ડિટેલ્‍સ જાણકારી અંગે કોઈ બોર્ડ પણ લગાવાયા નથી. હમણા જ બે યુવાનોએ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યા આ ઉપરાંત રોજ નાના મોટા અકસ્‍માત થતા હોઈ નાના વાહનચાલકો ઉપર સતત મોતનું જોખમ ઝળૂંબતું રહે છે. તંત્રની લાપરવાહી સામે રહેવાસીઓનો જનાક્રોશ ભભકયો હતો અને લોકોએ ચક્કાજામ કર્યું હતું. જેને પગલે કલેક્‍ટર દ્વારા જાહેરનામું ફેરવાયું હતું. ફરી આ જ સમસ્‍યા સામે મુસ્‍લિમ યુવા કોર કમિટી દ્વારા પણ ભારે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જોકે, પોલીસની ટ્રાફિક નિયમનની ખાત્રી બાદ સમજાવટથી ચક્કાજામનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો. જનાક્રોશ દરમ્‍યાન આડેધડ એક સામટા બધા બાયપાસ રોડ ઉપર શરૂ કરાયેલા કામ બાદ આ કામો અધૂરા રાખી દેવાનો મુદ્દો પણ ગાજ્‍યો હતો. અહીં મુખ્‍ય મુદ્દો વિવિધ સરકારી તંત્રો વચ્‍ચે સંકલનના અભાવનો છે. જેને પરિણામે વિકાસ કામો લોકો માટે સુવિધરૂપ બનવાને બદલે સમસ્‍યારૂપ બને છે. ચોક્કસ સમય મર્યાદા સાથે એક પછી એક બાયપાસ રોડના કામ થવા જોઈએ. એ સાથે જ રોડ રસ્‍તા એક વાર બની જાય અને નવા રસ્‍તાઓ ફરી પાણી કે ગટર માટે ભુજ નગરપાલિકા દ્વારા ખોદકામ કરવાની પ્રવળત્તિ પણ બંધ થવી જોઈએ. નવા કામ પૂર્વે જ માળખાગત સુવિધાઓના કામો પૂર્ણ કરવા જોઈએ.

(10:46 AM IST)