તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
મુન્દ્રા જ્વેલર્સ લૂંટ પ્રકરણના માસ્ટર માઈન્ડ ભુજના કેટરિંગ કોન્ટ્રાક્ટરની ધરપકડ: રાજસ્થાનની જેલમાં ઘડાયો હતો લૂંટનો પ્લાન : જુઓ વિડીયો
પોલીસ પૂછપરછમાં સનસનીખેજ માહિતી, ત્રણ મહીના પહેલાં રેકી કરી, બે બાઈક ચોરી, લૂંટ બાદ છકડો રીક્ષા તૈયાર રાખી ભાગવાનો હતો પ્લાન

(ભુજ) સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર સર્જનારા મુન્દ્રાના રુદ્રાક્ષ જ્વેલર્સમાં ફાયરિંગ કરી લૂંટવાના પ્રયાસના ગુનામાં પશ્ચિમ કચ્છ એલસીબી સાથે એસઓજી, મુન્દ્રા પોલીસની ટીમોએ સાથે મળી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા કેટરિંગ કોન્ટ્રાક્ટર ગીતમસિંહ (મૂળ રાજસ્થાન)ની એલસીબી પોલીસે લૂંટમાં વપરાયેલા ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં બહાર આવેલ માહિતી અનુસાર કોરોના કાળ દરમ્યાન પારિવારિક માથાકૂટમાં રાજસ્થાનની ધોલપુર જેલમાં સજા ભોગવતા ગીતમસિંહ ઠાકુરનો ભેટો જેલના અન્ય કેદી પંકજ શર્મા (મૂળ મધ્યપ્રદેશ) સાથે થયો હતો. જેલમાં થયેલ દોસ્તીમાં કચ્છમાં લૂંટનો પ્લાન ઘડાયો હતો. ત્રણ મહીના પહેલાં પંકજ શર્મા તેના સાગરીત સાથે ભુજ આવ્યો અને ગીતમસિંહ ઠાકુર સાથે બધા મુન્દ્રા ગયા ત્યાં રુદ્રાક્ષ જ્વેલર્સની રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો. પંકજ શર્મા ઉપર ૧૮ ગુનાઓ નોંધાયેલા છે. મુન્દ્રા લૂંટ માં વપરાયેલ બે બાઇક માધાપર (ભુજ)ની સનરાઇઝ સોસાયટીમાંથી ચોરી હતી. આ બે બાઇક ઉપર ચાર લૂંટારુઓ રુદ્રાક્ષ જ્વેલર્સમાં પહોંચ્યા અને તેમને ભગાડી જવા માટે ગીતમસિંહ આગળ છકડા સાથે તૈયાર હતો. જોકે, જ્વેલર્સ પિતા પુત્રએ સામનો કરતા લૂંટારુઓને ભાગવું પડ્યું તેમાં પંકજ શર્મા ઘવાયો અને તેની પૂછપરછમાં ભુજમાં ૨૦ વર્ષથી રહેતા રાજસ્થાની કેટરિંગ કોન્ટ્રાક્ટર ગીતમસિંહ ઠાકુરનું નામ માસ્ટર માઈન્ડતરીકે ખુલ્યું. હવે પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ સાથે મળી અન્ય ત્રણ ભાગેડુ લૂંટારુઓને ઝડપી પાડવા પોતાની ગતિવિધિઓ તેજ કરી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
