તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જામનગર જિલ્લામાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ : 500 રૂપિયાના દરની નકલી ચલણી નોટો વટાવવા નીકળેલા બે રાજસ્થાની શખ્શો ઝડપાયા
મેઘપર પડાણા પોલીસેની મોટી કાર્યવાહી: કાનાલુસ ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના રોમીયો ગેઇટ પાસે તપાસ કરતા નકલી નોટ ઝડપાઇ :કુલ પાંચ શખ્સોએ મળીને આ નકલી નોટો બજારમાં વટાવવા માટેનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું.

જામનગર જિલ્લામાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં મેઘપર પડાણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 500 રૂપિયાના દરની નકલી ચલણી નોટો વટાવવાના ઈરાદે આવેલા રાજસ્થાનના બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ સ્થાનિક પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.
મેઘપર પડાણા પોલીસને મળેલી બાતમીના આધારે કાનાલુસ ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના રોમીયો ગેઇટ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં પાર્કિંગ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે પરપ્રાંતિય શખ્સોની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બંને શખ્સો પાસેથી 500 રૂપિયાના દરની કુલ 100 નકલી નોટો મળી આવી હતી. પોલીસે તુરંત જ રૂ. 50,000ની કિંમતની આ નકલી નોટો જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ હમીદ પપ્પુ નુરા કઠાત અને અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશી તરીકે થઈ છે, જે બંને રાજસ્થાનના રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કુલ પાંચ શખ્સોએ મળીને આ નકલી નોટો બજારમાં વટાવવા માટેનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી છે કે આ નકલી નોટો તેમણે હાલમાં ફરાર એવા અન્ય ત્રણ સાથીદારો પાસેથી મેળવી હતી.
આ સમગ્ર કાવતરામાં સામેલ અન્ય ત્રણ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે. આ ટોળકી નકલી નોટો ક્યાંથી લાવી હતી અને જામનગરમાં અન્ય કયા સ્થળોએ આ નોટો પહોંચાડવાની હતી, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. નકલી નોટોના આ નેટવર્ક પાછળ કોઈ મોટું આંતરરાજ્ય રેકેટ હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
