<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગોંડલ મુક્તિધામમાં શિવભક્તિનો સાક્ષાત્કાર: ૧૧૧૧ કિલો ફળોથી 'શ્રી મુક્તેશ્વર'નો વિરાટ શણગાર, ૮૦૦ લીટર ભાંગની નદીઓ વહી

ભસ્મ આરતી અને ૨૫ પ્રકારના ફળોના ૧૦ ફૂટ લાંબા હારથી મહાદેવના દિવ્ય દર્શન; સ્મશાનમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ

ગોંડલ:સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલું પ્રખ્યાત મુક્તિધામ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે 'કૈલાશધામ'માં પરિવર્તિત થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય મહોત્સવમાં વહેલી સવારે જ્યારે ૬:૦૦ વાગ્યે ડમરુના નાદ અને મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની ભસ્મ આરતી કરવામાં આવી, ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું. આ વર્ષે મહાદેવને ધરાવાયેલો શણગાર આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે ૨૫ અલગ-અલગ પ્રકારના કુલ ૧૧૧૧ કિલો ફળોનો ઉપયોગ કરીને મુક્તેશ્વર મહાદેવને મંત્રમુગ્ધ કરી દે તેવો શણગાર કરવામાં આવ્યો હતો.

આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ભગવાનને અર્પણ કરાયેલો ૧૦ ફૂટ લાંબો ફળોનો હાર હતો. ડ્રેગનફ્રૂટ, કીવી અને સ્ટ્રોબેરી જેવા વિદેશી ફળોથી લઈને તરબૂચ અને સફરજન સુધીના ફળોના સંગમથી મહાદેવનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. બપોરે મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ શરૂ કરાયું હતું, જેમાં શિવભક્તો માટે ૮૦૦ લીટર ભાંગ અને મબલખ ફ્રૂટ ડિશની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોંડલી નદીના કાંઠે આવેલા ૫ વીઘામાં ફેલાયેલા આ સંકુલમાં હજારો લોકોએ લાઈનમાં ઉભા રહી દર્શનનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગોંડલનું મુક્તિધામ માત્ર સ્મશાન નહીં પણ પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે. અહીંની નવી બનેલી ૪ યજ્ઞશાળાઓ અને કેશવબાગની સુંદરતા ભક્તોના મનને શાંતિ આપે છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડ્યા હતા અને 'બમ બમ ભોલે'ના નાદ સાથે આખું સંકુલ ગુંજી ઉઠ્યું હતું.

(3:20 PM IST)