તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના ૪૦ શ્રેષ્ઠ શિક્ષકોનું ભવ્ય સન્માન
હરિહરાનંદ બાપુના સાનિધ્યમાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા લાવનાર ગુરુજનોને બિરદાવવામાં આવ્યા : સંતોના હસ્તે સન્માન થવું એ શિક્ષકો માટે સૌભાગ્યની બાબત હોવાનું જણાવતા રાજ્યમંત્રી

વિનું જોષી દ્વારા, જૂનાગઢ : મહાશિવરાત્રીના પવિત્ર પર્વે જૂનાગઢના પ્રખ્યાત ભારતી આશ્રમ ખાતે શિક્ષણ અને સંસ્કારનો અનોખો સંગમ રચાયો હતો. પૂજ્ય સંત હરિહરાનંદ બાપુના સાનિધ્યમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલ સહભાગી થયા હતા. આ પ્રસંગે શિક્ષણ જગતમાં વિદ્યાર્થીલક્ષી નવીન પ્રયોગો કરનાર સૌરાષ્ટ્રના ૪૦ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષકોનું શાલ અને મોમેન્ટોથી સન્માન
ભારતી આશ્રમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલ, પૂજ્ય હરિહરાનંદ બાપુ અને ધારાસભ્ય સંજય કોરડીયાના હસ્તે પસંદગી પામેલા ૪૦ શિક્ષકોને શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવા શિક્ષકો છે જેમણે શિક્ષણ કાર્યમાં નાવીન્ય દાખવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અગત્યની: કમલેશ પટેલ
આ પ્રસંગે નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા પાયાની છે. સંતોના આશીર્વાદ અને તેમના હસ્તે સન્માન મળવું એ કોઈ પણ વ્યક્તિ માટે સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આપણે જીવનમાં યોગ્ય ‘કક્ષા’ (ગુણવત્તા) કેળવીશું તો ‘રક્ષા’ કુદરતી રીતે જ પ્રાપ્ત થશે. યુવા પેઢીને વ્યસનમુક્ત અને સંસ્કારી બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભા પર છે. આ તકે તેમણે ભારતી આશ્રમ સાથેના પોતાના જૂના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.
શિક્ષકોને પ્રોત્સાહન આપવા બાપુનો સંકલ્પ
પૂજ્ય હરિહરાનંદ બાપુએ આશીર્વચન પાઠવતા ભાવ વ્યક્ત કર્યો હતો કે, સમાજને નવી દિશા આપનાર શિક્ષકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે આ પ્રકારે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ પ્રાસંગિક સંબોધનમાં શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. આ સન્માન સમારોહમાં અન્ય સાધુ-સંતો, કેળવણીકારો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
