News of Sunday, 15th February 2026
જસદણના શિવરાજપુરમાં લોહિયાળ ખેલ: કોળી યુવાનની નિર્મમ હત્યાથી પંથકમાં સન્નાટો, રોષે ભરાયેલા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર!
5 શખ્સોના હુમલામાં છગન ઝાપડીયાનું મોત; કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની મધ્યસ્થી અને કડક કાર્યવાહીની ખાતરી બાદ મામલો થાળે પડ્યો, પોલીસે 3 આરોપીઓને દબોચ્યા

રાજકોટ: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ આજે હત્યાની ઘટનાને પગલે હિબકે ચડ્યું છે. ગામના આશાસ્પદ કોળી યુવાન છગન ઝાપડીયાની પાંચ જેટલા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.
હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા ટોળેટોળાં
હત્યાની જાણ થતા જ જસદણની સરકારી હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પરિવારના સભ્યોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, "જ્યાં સુધી તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં." હોસ્પિટલ પરિસરમાં તંગદિલી સર્જાતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કુંવરજી બાવળિયાની સમજાવટ બાદ અંતિમવિધિ માટે સહમતી
પરિસ્થિતિની ગંભીરતાને જોતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે મૃતકના શોકતુર પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મંત્રીએ પરિવાર અને સમાજના આગેવાનોને ખાતરી આપી હતી કે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ દોષિત છૂટશે નહીં. મંત્રીની લાંબી સમજાવટ અને કાયદાકીય ખાતરી બાદ આખરે પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી બતાવી હતી, ત્યારબાદ શવને ખાંડાધાર હડમતીયા ગામે અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યું હતું.
પોલીસ એક્શન: 3 આરોપીઓ ગિરફ્તાર
જસદણ ડિવિઝનના ASP નવીન ચક્રવર્તીએ આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "આ હત્યાના કેસમાં કુલ 5 શખ્સોના નામ સામે આવ્યા છે. જેમાંથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક અન્ય આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસની નજર હેઠળ છે." પોલીસે ગુનો નોંધીને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ જસદણ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઉભા કર્યા છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
